Site icon Revoi.in

માળિયા તાલુકામાં ખેતીની જમીનમાં વળતર ચુકવ્યા વિના વીજ પોલ નાંખવા સામે વિરોધ

Social Share

મોરબી,18 જાન્યઆરી 2026:  જિલ્લાના માળિયા તાલુકામાં ખેડૂતોને વળતર ચુકવ્યા વિના હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપની દ્વારા 765 કેવીની વીજ લાઇનના પોલ ઉભા કરવાની કામગીરી શરૂ કરાતા ખેડૂતોએ ભારે વિરોધ કર્યો છે. અને માળિયા નજીક આવેલા રાસંગપર ગામ પાસે ખેડૂતોએ કંડલા-જામનગર હાઈવે ચક્કાજામ કર્યો હતો. લગભગ દોઢ કલાક સુધી હાઈવે બંધ રહેતા ટ્રક સહિતના વાહનોના થપ્પા લાગી ગયા હતા.

 માળિયા તાલુકાના રાસંગપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી 765 કેવીની હેવી લાઇન પસાર કરી રહી છે. ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ ઉભા કરવા અને વીજ વાયરનો કોરિડોર પસાર કરવા માટે કંપની દ્વારા ક્યારે વળતર આપવામાં આવશે, તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.  આ સ્પષ્ટતા વગર જ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના વિરોધમાં ખેડૂતોએ પહેલા બપોરના સમયે કામ બંધ કરાવ્યું હતું. તેમણે માગ કરી હતી કે, વીજ પોલનો સામાન ખેતરમાંથી ઉપાડી લેવામાં આવે, કારણ કે તેમને વળતર મળ્યું ન હતું. જોકે, મોડી સાંજ સુધી કોન્ટ્રાક્ટર દ્વારા સામાન હટાવવામાં ન આવતા, રાસંગપરના અસરગ્રસ્ત ખેડૂત નરેન્દ્ર રંગપરિયા અને સરપંચ અમિત ઘુમલીયા સહિતના ખેડૂતોએ રાત્રે આઠ વાગ્યે કંડલા-જામનગર હાઈવેને રાસંગપર ગામના પાટિયા પાસે બંધ કર્યો હતો. લગભગ દોઢ કલાક સુધી હાઈવે બંધ રહેતા ટ્રક સહિતના વાહનોના થપ્પા લાગી ગયા હતા.

ખેડૂતોએ હાઈવે ટક્કજામ કર્યા બાદ વીજ પોલ ઉભા કરવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે ખેડૂતોની માંગણી મુજબ ખેતરમાંથી વીજ પોલ માટેનો માલસામાન ઉપાડી લેવાની તૈયારી દર્શાવી હતી. આ પછી ખેડૂતોએ બંધ કરેલો રસ્તો ખોલી આપ્યો હતો. મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચિખાલિયાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ખેડૂતોને વળતર બાબતની સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી ખાનગી કંપનીને કામ કરવા દેવામાં આવશે નહીં અને જો કામ કરશે તો અસરગ્રસ્ત ખેડૂતો સાથે રાખીને વિરોધ કરવામાં આવશે.

Exit mobile version