Site icon Revoi.in

વાહનની નંબર પ્લેટ ખોવાઈ જાય તો પોલીસ ફરિયાદના ફરજિયાત નિયમ સામે વિરોધ

Social Share

વડોદરાઃ કોઈ કારણથી વાહનોની નંબર પ્લેટ નીકળીને પડી જાય અને ખોવાઈ જાય તો નવી નંબર પ્લેટ મેળવવા માટે પોલીસ ફરિયાદ નોંધાવવી ફરજિયાત છે. નવી HSRP નંબર પ્લેટ માટે FRIની કોપી આપ્યા બાદ જ નવી પ્લેટ મળી શકે છે. આ નવા નિયમથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. જો કે  તૂટેલી નંબર પ્લેટ વાહન માલિક પાસે હોય તો પોલીસ ફરિયાદની કોપીની જરૂર રહેતી નથી, પરંતુ નંબર પ્લેટ ખોવાઈ જાય ત્યારે કયા વાહનમાં આ નંબર પ્લેટ લગાવાઈ રહી છે અને તે વાહન ગુનાઈત કૃત્યમાં અગાઉ વપરાયું નથી, તેવી કાયદાકીય ગૂંચવણને કારણે ઓનલાઇન પ્રોસિજર માટે આ ફરજિયાત છે.

કમોસમી વરસાદથી અન્ય કોઈ કારણોથી વાહનો ખાસ કરીને ફોર વ્હીલરની નંબર પ્લેટ નીકળી જવાની ઘટના બનતી હોય છે. વરસાદનાં ભરાયેલાં પાણીમાં ઝડપથી કાર પસાર થતી હોવાથી નંબર પ્લેટ છૂટી પડીને ખોવાઈ જતી હોય છે. જ્યારે વાહન માલિક નવી નંબર પ્લેટ નખાવા ડીલર પાસે જાય ત્યારે પોલીસ ફરિયાદની કોપી આપવી પડે છે. આ સમસ્યાને પગલે અનેક વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે અને આરટીઓને ફોન દ્વારા મુશ્કેલી વર્ણવી રહ્યા છે.જો તૂટેલી નંબર પ્લેટ વાહન માલિક પાસે હોય તો પોલીસ ફરિયાદની કોપીની જરૂર રહેતી નથી, પરંતુ નંબર પ્લેટ ખોવાઈ જાય ત્યારે કયા વાહનમાં આ નંબર પ્લેટ લગાવાઈ રહી છે અને તે વાહન ગુનાઈત કૃત્યમાં અગાઉ વપરાયું નથી, તેવી કાયદાકીય ગૂંચવણને કારણે ઓનલાઇન પ્રોસિજર માટે આ ફરજિયાત છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ આરસી બુક ખોવાઈ ગઈ હોય, પણ ઓનલાઇન ડેટા હોય અને કેવાયસી બરાબર હોય તો પણ પોલીસ ફરિયાદની કોપી આરટીઓમાં જમા કરાવવી પડતી હતી. જોકે આ નિયમને 1 વર્ષ અગાઉ બંધ કરાયો છે. હવે નંબર પ્લેટ માટે પણ નિયમ બંધ કરવા માગ ઊઠી છે. આરટીઓના કહેવા મુજબ અનેક લોકો ફોન દ્વારા પોતાની મુશ્કેલી જણાવે છે. જોકે આ નંબર પ્લેટ બનાવવાનું ડીલરના લેવલથી થાય છે, તેનું પોર્ટલ અલગ છે. તેથી અમે કંઈ કરી શકતા નથી.