ભૂજ, 16 જાન્યુઆરી 2026: ભૂજથી વરસાણા સુધીના 65 કિમીના હાઇવે પર 9 કિમીનું કામ બાકી હોવા છતાં 15 જાન્યુઆરીથી બે ટોલ નાકાઓ પર ટોલ વસૂલાત શરૂ કરાતા વાહનચાલકો, ટ્રક માલિકો અને સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો છે. હાઈવેનું કામ પુરૂ થયુ નથી તો ટોલટેક્સ કેમ વસુલવામાં આવી રહ્યો છે. એવો પ્રશ્ન લોકોએ ઉઠાવ્યો છે. આ નિર્ણયને વાહન માલિકો દ્વારા પણ અયોગ્ય ગણીને કુકમા ટોલ પ્લાઝા સામે રોડ પર બેસીને ઊગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલ્ફર એસોસિએશન તથા ટ્રક ઓનર્સ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ‘નો રોડ નો ટોલ’ ના નારા સાથે કુકમા ટોલ પ્લાઝા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. જેમાં સ્થાનિક લોકોએ પણ ભાગ લીધો હતો. એસોના પદાધિકારીએ જણાવ્યું હતું કે,સામાન્ય રીતે ટોલ લાગુ થવા માટે ઓછામાં ઓછા 15થી 30 દિવસ અગાઉ આગોતરી જાણ કરવી જરૂરી હોય છે, જેથી ખર્ચની આયોજન પ્રક્રિયા કરી શકાય. પરંતુ આ હાઈવેનું કામ હજુ પણ અનેક સ્થળોએ અધૂરૂં હોવા છતાં અચાનક ટોલ શરૂ કરી દેવામાં આવતાં ટ્રક માલિકો સહિત તમામ વાહનચાલકો માટે આ નિર્ણય એક આઘાત સમાન છે. ગત ચોમાસા દરમિયાન જ રોડ અનેક જગ્યાએ તૂટી ગયો હતો અને સામાન્ય સાંધા જેવી નબળી રીપેરીંગ કામગીરી કરવામાં આવી હતી, જેના કારણે આજદિન સુધી માર્ગની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
ટોલ પ્લાઝા અંગે નેશનલ હાઇવેના ટેકનીકલ મેનેજર ક્રિષાનું એ જણાવ્યું કે વારસામેડી ટોલ પ્લાઝા પરથી વાસ્તવમાં 26.4 કિલોમીટર રોડનો ટોલ ઉઘરાવવાનો થાય પરંતુ હાલ 25.3 કિલોમીટરનો જ ઉઘરાવવામાં આવે છે. જોકે તકનિકી ક્ષતિને કારણે એકાદ બે દિવસ બાદ શરૂ થશે.
કચ્છમાં નેશનલ હાઈવે નં. 341નું ફોરલેન કામ હજુ અધૂરું હોવા છતાં કુકમા તથા વરસામેડી બાજુ ટોલ ટેક્સ શરૂ કરાતા કચ્છના ટ્રકચાલકો અને નાના વાહનચાલકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ ટોલ ગેટનો વિરોધ નોંધાવી રેલડી ફાટક ઉપરનો બ્રિજ તેમજ વરસામેડી બાજુનો બ્રિજ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલ ન કરવાની માંગ કરી છે.

