Site icon Revoi.in

EPF-95 પેન્શનમાં વધારો ન થતા કચ્છ, સુરેન્દ્રનગર સહિત અનેક જિલ્લામાં વિરોધ કરાયો

Social Share

અમદાવાદઃ દેશભરના EPF-95 પેન્શનરો લાંબા સમયથી પેન્શનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. 30–35 વર્ષની સેવા આપ્યા બાદ પણ દર મહિને હાલ માત્ર 1170 થી 2,500 રૂપિયા સુધી પેન્શન મળતુ હોવાને કારણે લાખો પેન્શનરો મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. ત્યારે પેન્શનમાં વધારો કરવા માટે સુરેન્દ્રનગર, કચ્છ સહિત અનેક શહેરોમાં ઈપીએફના પેન્શનરોએ આવેદનપત્ર આપીને માગ કરી હતી

દેશમાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ડ ફંડ (ઈપીએફ) હેઠળ પેન્શન મેળવતા અનેક પેન્શનધારકોના છેલ્લા 10  વર્ષથી પેન્શન સબંધીત પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ ન આવતા સુરેન્દ્રનગરના વઢવાણ 80 ફુટ રોડ પર આવેલી ઈપીએફની મુખ્ય કચેરી ખાતે રજુઆત કરી રોષ દાખવ્યો હતો. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ડ ફંડ (ઈપીએફ) હેઠળ પેન્શન મેળવતા અનેક પેન્શનધારકોના છેલ્લા 10 વર્ષથી 7500 રૂપિયાનું બેઝિક પેન્શન, મોંઘવારી ભથ્થું, મેડીકલ સુવિધાઓનો લાભ મળતો નથી. જે મામલે અગાઉ અનેક વખત ઈપીએમ કચેરી ખાતે રજુઆતો તેમજ આવેદન પત્ર પાઠવ્યા હોવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. પેન્શનધારકોએ પડતર માંગો ઉકેલવા ઈપીએફની મુખ્ય કચેરીમાં રજૂઆત કરી હતી. તેમજ આગામી તા.10 અને 11 ઓક્ટોબરના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટની એક બેઠક યોજાવાની જેમાં પેન્શનરો પોતાના પ્રશ્નોનો ઠરાવ કરીને ઈપીએફઓને મોકલવાની માંગ કરી હતી.

દેશભરના EPF-95 પેન્શનરોની મુખ્ય માંગણીઓમાં લઘુત્તમ પેન્શન 7,500 કરવાનો છે, તેને મોંઘવારી ભથ્થા સાથે જોડવાનો અને પતિ-પત્ની બંનેને મફત તબીબી સારવાર આપવાનો સમાવેશ થાય છે. સાથે જ સુપ્રીમ કોર્ટના 2016 અને 2022ના ચુકાદાઓનું અમલીકરણ કરવાની પણ માંગણી છે. સરકાર તરફથી હજી સુધી કોઈ નિર્ણય ન આવતા પેન્શનરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રોજ 200થી 250 જેટલા પેન્શનરો આર્થિક તંગી અને આરોગ્ય સંભાળના અભાવે અકાળે મોતને ભેટી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દેશવ્યાપી સ્તરે જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીઓએ આવેદનપત્ર આપવાની શરૂઆત કરવામાં આવી છે. સાથે જ 11–12 ઓક્ટોબરે યોજાનારી EPFO સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં પેન્શન વધારાનો ઠરાવ મંજુર થાય તે માટે દબાણ લાવવામાં આવશે.