
જ્ઞાનવાપી પરિસરમાં વ્યાસજી ભોંયરામાં પુજા ચાલુ રહેશે, અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી
લખનૌઃ ઉત્તરપ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપી પરિસરમાં વ્યાસજીના ભોંયરામાં પુજા થશે કે નહીં તે મામલે અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણીના અંતે પુજાની મંજુરી આપી છે. ન્યાયમૂર્તિ રોહિત રંજન અગ્રાવાલના આદેશને પગલે હિન્દુપક્ષમાં ખુશી ફેલાઈ છે. મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન ઈંતજામિયા મસ્જિદ કમિટીએ વારાણસી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ અરજીની સુનાવણીના અંતે હાઈકોર્ટે વારાણસી કોર્ટના 31મી જાન્યુઆરીના પુજા શરુ કરાવવાના આદેશને યોગ્ય ઠરાવ્યો હતો. હાઈકોર્ટના આ આદેશથી વ્યાસજી ભોંયરામાં પુજા ચાલુ રહેશે. કોર્ટે પુજા ઉપર કોઈ પ્રતિબંધ ફરમાવ્યો નથી.
વારાણસી કોર્ટના આદેશને પડકારતી અરજીની સુનાવણી પૂર્ણ થતા હાઈકોર્ટે 15મી ફેબ્રુઆરીના રોજ ચુકાદો અનામત રાજ્યો હતો. હાઈકોર્ટમાં સુનવણી દરમિયાન હિન્દુ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ સીએસ વૈદ્યનાથન અને વિષ્ણ શંકર જૈન ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે મુસ્લિમ પક્ષ તરફથી સિનિયર એડવોકેટ સૈયદ ફરમાન અહમદ નકવી અને યુપી સુનની સેન્ટ્રલ વક્ફ બોર્ડ તરફથી પુનીત ગુપ્તાએ રજુઆત કરી હતી. કાશી વિશ્વનાથ ટ્રસ્ટ તરફથી વિનીત સંકલ્પએ પોતાનો પક્ષ રજુ કર્યો હતો. વારાણસી કોર્ટે 31મી જાન્યુઆરીના રોજ પુજાની મુંજુરી આપતા એ જ દિવસે રાતના ભોંયરુ ખોલીને પુજા કરવામાં આવી હતી. હાઈકોર્ટે જિલ્લા કોર્ટના આદેશ સામે કોઈ સ્ટે નથી આવ્યો, જેથી કોર્ટના આદેશ અનુસાર વ્યાસજી ભોંયરામાં પુજા ચાલુ જ રહેશે.