
ગીર જંગલમાં સાવજો બાદ હવે દીપડાઓને લગાવાશે રેડિયો કોલર
અમદાવાદઃ ગીર જંગલમાં સાવજોના લોકેશન માટે રેડિયો કોલર લગાવવામાં આવ્યાં હતા. હવે વન વિભાગ દ્વારા સિંહ બાદ હવે દીપડાને પણ રેડિયો કોલર લગાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાસણમાં બે દીપડાને રેડિયો કોલર લગાવી જંગલમાં છોડવામાં આવ્યા છે. હાલ પ્રાયોગિક ધોરણે પ્રથમ પાંચ દીપડાને રેડિયો કોલર લગાવાની કામગીરી કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગીર જંગલ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં દીપડાની વસ્તીમાં વધારો થયો છે. તેમજ દીપડા દ્વારા રહેણાંક વિસ્તારમાં માનવ પરના હુમલાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે દીપડાની હિલચાલનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ થઈ શકે તે માટે વન વિભાગ દ્વારા પાંચ દીપડાને રેડિયો કોલર લગાવવામાં આવશે. જેમાંથી બે દીપડાને રેડિયો કોલર લગાવીને જંગલમાં છોડવામાં આવ્યા છે. દીપડાને રેડિયો કોલર લગાવાથી તેની અવર જવર, જીવનશૈલી, આવાગમનનો સમય સહિતની બાબતો પર નજર રાખવા આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે.
વન વિભાગના 2016ની ગણતરીના આંકડા અનુસાર, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં 600 જેટલા દીપડા છે.