1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના વોર્ડ-12માં પ્રદુષિત પાણીને લીધે રાગચાળો, 50ને ઝાડા-ઊલટી
રાજકોટના વોર્ડ-12માં પ્રદુષિત પાણીને લીધે રાગચાળો, 50ને ઝાડા-ઊલટી

રાજકોટના વોર્ડ-12માં પ્રદુષિત પાણીને લીધે રાગચાળો, 50ને ઝાડા-ઊલટી

0
Social Share

રાજકોટઃ શહેરના વોર્ડ-12માં તંત્રના વાંકે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરના મેયર ડૉ.પ્રદીપ ડવના મત વિસ્તાર વોર્ડ નં.12ના પુનિતનગરમાં ચાલી રહેલા રસ્તાકામના કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ભૂગર્ભ ગટરની લાઈન તૂટી જતાં તેના કારણે ગંદૂ પાણી પીવાના પાણી સાથે ભળી ગયું હતું. પ્રદૂષિત પાણી પીવાને કારણે આજે આ વિસ્તારમાં આવેલા ‘અવસર’ એપાર્ટમેન્ટના 38 તેમજ અન્ય ટેનામેન્ટમાં રહેતાં 12 જેટલા મળી 50 જેટલા લોકોને ઝાડા-ઊલટી થઈ જતાં દોડધામ મચી ગઈ હતી.

શહેરના વોર્ડ.નં.12માં રસ્તાના કામો ચાલી રહ્યા છે. જેમાં રસ્તાના કામ દરમિયાન ડ્રેનેજની લાઈન અને પાણીની લાઈન તૂટી ગઈ હતી, અને તેનું યોગ્યરીતે મરામત ન કરાતા ડ્રેનેજનું ગંદુ પાણી પીવાની પાઈપ લાઈનમાં ભળી જતાં રોગચાળો ફાટી નિકળ્યો છે.આ ઘટનાની જાણ થતાં મેયર ડૉ.પ્રદીપ ડવ સહિતના પદાધિકારીઓ અને મનપાના અધિકારીઓ દોડી ગયા હતા અને તાત્કાલિક લાઈનનું રિપેરિંગ કામ શરૂ કરાવીને બીમાર પડેલા લોકોને દવાનું વિતરણ શરૂ કરાવ્યું હતું. આ અંગે અવસર એપાર્ટમેન્ટ તેમજ આજુબાજુના ઘરોમાં રહેતાં રહીશોએ જણાવ્યું કે અવસર એપાર્ટમેન્ટમાં 68 જેટલા ફ્લેટ આવેલા છે તે પૈકીના 38 જેટલા ફ્લેટધારકોને આજે પાણી પીધાં બાદ ઝાડા-ઊલટી થવા લાગતાં પરિવારજનો ચિંતીત બની ગયા હતા. આ ઘટનાની જાણ મહાપાલિકાને કરવામાં આવી હતી પરંતુ સ્ટાફ આવે તે પહેલાં જ લોકો પોતપોતાના ડૉક્ટર પાસે દોડી ગયા હતા અને દવા લઈ લીધી હતી.

સૂત્રોએ જણાવ્યુ હતું કે, શહેરના પુનિતનગર વિસ્તારમાં આવેલા અવસર એપાર્ટમેન્ટના 38 ઉપરાંત આજુબાજુના ઘરો તેમજ ટેનામેન્ટમાં રહેતાં 12થી લોકોને પણ પ્રદૂષિત પાણી પીવાને લીધે આડઅસર થવા પામી છે. જે જે લોકોને ગંદૂ પાણી પીવાને કારણે અસર થઈ છે તેમાં બે વર્ષના બાળકની લઈ 50 વર્ષ સુધીના વૃધ્ધનો સમાવેશ થાય છે. ખાસ કરીને બાળકોને ઝાડા-ઊલટી થવા લાગતાં તેના વાલીઓની ચિંતા આસમાને પહોંચી ગઈ હતી. જો કે અત્યાર સુધીમાં એક પણ દર્દીને હોસ્પિટલે ખસેડાયું નથી અને તમામની ઘરમાં રહીને જ સારવાર ચાલી રહી છે.

આ અંગે મેયર ડૉ.પ્રદીપ ડવે જણાવ્યું કે મવડી વિસ્તારમાં 80 ફૂટ રોડ, દિવાળી ચોકમાં આવેલા અવસર એપાર્ટમેન્ટમાં ઝાડા-ઊલટીના કેસો મળી આવતાં આરોગ્ય વિભાગની 6 જેટલી ટીમને દોડાવવામાં આવી હતી. ટીમ દ્વારા અવસર એપાર્ટમેન્ટના 60 ફ્લેટ તેમજ બાજુમાં આવેલા દિવાળી પાર્કમાં 42 ઘરોનો સઘન સર્વે શરૂ કરવામાં આવ્યો હતો અને અંદાજે 500 જેટલા લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જે લોકોને ઝાડા-ઊલટી થઈ ગયા છે તેમાંથી કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર જણાઈ નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code