રાહુલ ગાંધીને પાસપોર્ટ કેસમાં કોર્ટમાંથી મળી રાહત,10ને બદલે ત્રણ વર્ષ માટે NOC મળી
દિલ્હી : પાસપોર્ટ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કોર્ટમાંથી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે રાહુલ ગાંધીને ત્રણ વર્ષ માટે એનઓસી આપી છે. જો કે રાહુલ ગાંધીએ કોર્ટ પાસે 10 વર્ષ માટે એનઓસીની માંગણી કરી હતી, પરંતુ સુબ્રમણ્યમ સ્વામીએ તેમની માંગનો વિરોધ કર્યો હતો અને માત્ર એક વર્ષ માટે એનઓસીની પરવાનગી આપવાનું કહ્યું હતું.
સ્વામીએ કોર્ટમાં દલીલ કરી હતી કે રાહુલ ગાંધી પાસે 10 વર્ષ સુધી પાસપોર્ટ જારી કરવા માટે કોઈ માન્ય કે અસરકારક કારણ નથી. રાહુલ ગાંધી 10 વર્ષ માટે પાસપોર્ટ જારી કરવા માટે અયોગ્ય છે. કોર્ટ અન્ય તમામ સંબંધિત બાબતોની તપાસ અને વિશ્લેષણ કર્યા પછી ન્યાય અને કાયદાના વ્યાપક ક્ષેત્રોમાં રાહુલ ગાંધીના કેસનો નિર્ણય લેવા માટે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી શકે છે.
સુબ્રમણ્યમ સ્વામીએ તેમના જવાબમાં જણાવ્યું હતું કે પાસપોર્ટ રાખવાનો અધિકાર, અન્ય તમામ મૂળભૂત અધિકારોની જેમ, સંપૂર્ણ અધિકાર નથી અને તે રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને ગુના નિવારણના હિતમાં સરકાર દ્વારા લાદવામાં આવેલા વાજબી નિયંત્રણોને આધીન છે.
નવા પાસપોર્ટ માટે NOC માંગતી રાહુલ ગાંધીની અરજી પર બુધવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સ્વામીએ એનઓસીના મુદ્દે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ (રાહુલ ગાંધી) વારંવાર વિદેશ જાય છે. તેના બહાર જવાથી તપાસમાં અવરોધ આવી શકે છે. સુનાવણી દરમિયાન કોર્ટે સ્વામીને જવાબ દાખલ કરવા માટે એક દિવસનો સમય આપ્યો હતો. આ જવાબમાં સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલને 10 વર્ષ માટે પાસપોર્ટની અરજીનો વિરોધ કર્યો છે.