પટણા : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આજે બિહાર માટે ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ સહિત કુલ સાત નવી ટ્રેનોને પ્રસ્થાન કરાવ્યું હતું.
ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો મુઝફ્ફરપુરથી ચારલાપલ્લી, દરભંગાથી મદાર જંકશન અને છાપરાથી આનંદ વિહાર ટર્મિનલને જોડશે. આ કાર્યક્રમમાં રેલવે મંત્રી નવી દિલ્હીની વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા, જ્યારે નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પટણા જંકશનથી ટ્રેનોને લીલી ઝંડી આપી હતી.
આ સાથે ચાર નવી પેસેન્જર ટ્રેનો નવાદા, ઇસ્લામપુર, બક્સર અને ઝાઝા સહિતના મુખ્ય શહેરોને જોડશે. ત્રણ નવી અમૃત ભારત એક્સપ્રેસ અને ચાર પેસેન્જર ટ્રેનોના આરંભથી બિહારની રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે તેમજ મુસાફરોને સુવિધા મળશે.