
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઇસ્ટ વેસ્ટ ટ્રફ, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બ્સ સક્રિય જેના કારણે ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 65 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારીમાં 24 કલાકમાં ભારે વરસાદ વરસશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ સહિતના જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડશે. 3 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં મૂશળધાર વરસાદની શકયતાઓ વ્યક્ત કરાઈ છે. તા. 24મી જુલાઈ પછી રાજ્યમાં વરસાદનું જોર ધીમુ પડશે. તેમજ છુટો છવાયો વરસાદ વરસવાની શકયતા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સુચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે અધિકારીઓને સતર્ક રહેવા માટે તાકીદ કરવામાં આવી છે.
જૂનાગઢ, ગીરસોમનાથ અને દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. અનેક ગામ સંપર્ક બિહોણા બન્યા છે અને બેટમાં ફેરવાયાં છે. ખેડતોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. દરમિયાન ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ અને ગીરસોમનાથના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમજ ઉચ્ચ અધિકારીઓને જરુરી સુચના આપી હતી. બીજી તરફ સતત વરસાદને પગલે જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે.
(Photo-File)