
અમદાવાદઃ ગુજરાતમાં ગુરૂવારે સાંજના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા દરમિયાન રાજ્યના 117 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં જુનાગઢના વિસાવદરમાં પાંચ ઈંચ, સુરેન્દ્રનગરના ચોટિલામાં 4 ઈંચ, તેમજ સાબરકાંઠાના તલોદ, અરલવ્વીના બાયડ અને ધનસુરા મહેસાણાના વિજાપુર સહિત અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. ગુરૂવારે દિવસ દરમિયાન પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યારે તાપી જિલ્લામાં અનરાધાર વરસાદથી 23 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. સુરતના મહુવામાં 6 ઈંચ અને વ્યારામાં 5.5 ઈંચ વરસાદ ખાબકતા ચારેબાજુ પાણી જ પાણી થઈ ગયું છે. તો રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી પાંચ ગામોનો સંપર્ક તૂટ્યો હતો. જ્યારે જૂનાગઢમાં ભારે વરસાદને પગલે સોસાયટીમાં પાણી ભરાઇ જતા ઘરવખરીનો સામાન પાણીમાં તણાયો હતો.
આ ઉપરાંત રાજકોટ જિલ્લાના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખબક્યો છે. જસદણ, આટકોટ, વિરનગર, લીલાપુર, પાલરપર, કોઠી, જીવાપર, પાંચવડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ખારી નદીનો કોઝવે બંધ થઇ ગયો છે. ત્યારે ભારે વરસાદને પગલે પાંચ ગામોનો સંપર્ક તૂટ્યો છે. ચિતલીયા, લાખવડ, કોઢી, શાંતિનગર અને કનેસરા ગામનો વાહન વ્યવહાર ખોરવાયો છે. જસદણ શહેરના ચિતલીયા રોડ, નવા બસ સ્ટેન્ડ સહિત વિસ્તારોમાં પાણી ભરાયા છે. તળાવ અને ચેક ડેમમાં નવા નીરની આવાક થઇ છે. જ્યારે કપાસ, મગફળી સહિતના પાકને જીવનદાન મળ્યું છે.
જૂનાગઢ જિલ્લામાં વરસાદે ધોધમાર બેટિંગ કરતા બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. રાત્રે પણ ધોધમાર વરસાદ પડી રહ્યાના વાવાડ મળ્યા છે. જૂનાગઢનો વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે. ધોધમાર વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઇ છે. ડેમ એક ફૂટથી વધુ ઓવરફ્લો થયો છે. ગિરનાર પર્વત ઉપર સાત ઇંચ વરસાદ નોંધાયો હતો. તો બીજી તરફ ભારે વરસાદને પગલે જૂનાગઢની વાણંદ સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતા. નિચલા દાતાર વિસ્તારમાં આવેલા રહેણાક મકાનોમાં પાણી ભરાતા ઘરવખરીનો સામાન પાણીમાં તણાયો હતો.
ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યા હોવાના વાવાડ મળ્યા છે. અરવલ્લી જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે. ત્યારે નદી, તળાવ, કોતરોમાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ શરૂ થયો છે. ધનસુરા તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે. ધનસુરા ગામ પાસે આવેલા અમરાપુર ગામે નદીમાં ભારે પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો. તેવામાં એક યુવક નદી ક્રોસ કરવા જતાં તાણાયો હતો. આસપાસના લોકોએ બુમાબુમ કરી પણ પાણીનો વેગ પુષ્કળ હતો. જેથી તાત્કાલિક કોઈ બચાવમાં આવી શક્યું નહોતુ.