1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં મેઘરાજા હવે વિદાય લઈ રહ્યા છે, મોટાભાગના વિસ્તારોમાં ઉઘાડ નિકળતા લોકોએ રાહત અનુભવી
ગુજરાતમાં મેઘરાજા હવે વિદાય લઈ રહ્યા છે, મોટાભાગના વિસ્તારોમાં ઉઘાડ નિકળતા લોકોએ રાહત અનુભવી

ગુજરાતમાં મેઘરાજા હવે વિદાય લઈ રહ્યા છે, મોટાભાગના વિસ્તારોમાં ઉઘાડ નિકળતા લોકોએ રાહત અનુભવી

0
Social Share

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું શાહિન પ્રતિ કલાકના 15  કિલોમીટરની ઝડપે પાકિસ્તાનના માકરણ દરિયાકાંઠા તરફ ફંટાતા તંત્રએ રાહત અનુભવી હતી. વાવાઝોડાની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો હતો પરંતુ હવે વાવાઝોડાની અસર ઓછી થતા વરસાદનું જોર ઘટયું છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે લાંબા સમય પછી વરાપ નીકળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં આજે શુક્રવારે ઉઘાડ નિકળ્યો હતો. અને બપોર સુધીમાં માત્ર ભાવનગર અને ધોલેરામાં વરસાદનું સામાન્ય ઝાપટું પડ્યું હતું. વાવાઝોડાની અસર ઓછી થઈ ગઈ છે. જોકે દરિયામાં ભારે પવન ફુકાવવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં મોનસુન ની કોઈ નવી સિસ્ટમ અત્યારે અસ્તિત્વ ધરાવતી નથી અને તેથી હવે જામનગર દ્વારકા રાજકોટ સહિતના વિસ્તારોમાં છુટા છવાયા સામાન્ય ઝાપટાને બાદ કરતા નોંધપાત્ર વરસાદની કોઈ સંભાવના હાલ તુરત નથી.

હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ આગામી તારીખ 6 ઓક્ટોબરથી દેશના નોર્થવેસ્ટ ભાગમાંથી નૈઋત્યનું ચોમાસુ તબક્કાવાર વિદાય લે તેવી શક્યતા છે. આ માટેના પૂરેપૂરા સાનુકૂળ સંજોગો અત્યારે જોવા મળી રહ્યા છે.

સ્ટેટ કંટ્રોલ રૂમના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ શુક્રવારે સવારે 6 વાગ્યે પુરા થતાં 24  કલાક દરમિયાન રાજ્યના 101 તાલુકામાં વરસાદની હાજરી જોવા મળી હતી પરંતુ તેમાંથી માત્ર  15 તાલુકામાં એક ઈંચ કે તેનાથી વધુ વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ખંભાળિયા દ્વારકા ભાણવડમાં અડધો ઇંચ થી સાડા ચાર ઈંચ સુધી પાણી પડ્યું હતું. આ ઉપરાંત કચ્છમાં લખપત માંડવી નખત્રાણા અબડાસા મુન્દ્રા તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. વરસાદના છેલ્લા જોરદાર રાઉન્ડના કારણે  રાજ્યમાં વરસાદની ઘટ પૂરી થઈ ગઈ છે. પીવાના પાણીની અને સિંચાઇની સુવિધા કુદરતે પ્રાપ્ત કરાવી દીધી છે. રાજ્યના 33 માંથી 13 જિલ્લામાં સરેરાશ સો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code