ઉત્તર ભારત સહિત 15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
નવી દિલ્હી, 5 મે 2026: ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશના 15 રાજ્યોમાં ગાજવીજ, તોફાની પવનો અને કરા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ માટે ‘ઓરેન્જ’ અને ‘યેલો’ એલર્ટ જાહેર કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આકરા તાપમાં તપતા વિસ્તારોને રાહત મળશે, પરંતુ સાથોસાથ વીજળી પડવા અને કરા પડવાનું જોખમ પણ વધ્યું છે. મેદાની વિસ્તારોમાં પવનની ગતિ 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. રાજધાની દિલ્હી સહિત નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે. અહીં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ 23 ડિગ્રી રહેવાનો અંદાજ છે. આવતીકાલે 6 મેના રોજ પારો 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે, પરંતુ ગાજવીજ સાથે વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે.
યુપીના મેરઠ, અલીગઢ, પ્રયાગરાજ, વારાણસી અને કાનપુર સહિતના અનેક જિલ્લાઓમાં આજે હવામાનમાં મોટો પલટો જોવા મળશે. અંદાજે 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. લખનઉમાં તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેતા બફારા અને ગરમીથી રાહત મળશે. પટના, ગયા અને ભાગલપુર જેવા વિસ્તારોમાં મધ્યમ વરસાદ સાથે વીજળી પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઝારખંડના રાંચી, ધનબાદ અને બોખારોમાં 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાંચીમાં તાપમાન 29 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી અને પિથોરાગઢમાં ‘ઓરેન્જ એલર્ટ’ અપાયું છે. કેદારનાથમાં હિમવર્ષા ચાલુ હોવાથી યાત્રાળુઓને સાવચેત રહેવા જણાવાયું છે. હિમાચલના શિમલા, મનાલી અને કુલ્લુમાં ભારે વરસાદની ચેતવણી છે. મનાલીમાં લઘુત્તમ તાપમાન માઈનસ બે ડિગ્રી સુધી ગગડી શકે છે. રાજસ્થાનના જયપુર અને બીકાનેર ડિવિઝનમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદની સંભાવના છે. પંજાબના પઠાણકોટ અને મોહાલીમાં ‘યેલો એલર્ટ’ જારી કરાયું છે. ખેડૂતોને કાપેલો પાક સુરક્ષિત સ્થળે ખસેડવા સલાહ અપાઈ છે. મધ્યપ્રદેશના ભોપાલ, વિદિશા અને સાગરમાં કરા પડવાની અને સીધી-સિંગરોલીમાં 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.


