વાળને મુલાયમ અને ચમકદાર રાખવા છે? તો રાત્રે સૂતા પહેલા બદલો આ આદતો
વાળને સુંદર રાખવા માટે માત્ર મોંઘા શેમ્પૂ કે કંડિશનર પૂરતા નથી, પરંતુ તેની યોગ્ય જાળવણી પણ એટલી જ જરૂરી છે. ઘણીવાર આપણે વાળની પૂરી કાળજી લઈએ છીએ, તેમ છતાં વાળ શુષ્ક, બેજાન અને ફ્રીઝી (ઉલઝેલા) દેખાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો રાત્રે સૂતી વખતે તમારી કેટલીક આદતો બદલવાની જરૂર છે.
હેર રેપ અથવા સિલ્ક બોનેટનો ઉપયોગ
રાત્રે સૂતી વખતે વાળ ઓશીકા સાથે ઘસાય છે, જેના કારણે તે નબળા પડીને તૂટવા લાગે છે. જો તમારા વાળ લાંબા કે વાંકડિયા હોય, તો તેને સિલ્ક બોનેટ અથવા સિલ્ક સ્કાફથી કવર કરીને સૂવાની આદત પાડો. આનાથી વાળમાં કુદરતી ભેજ જળવાઈ રહેશે અને તે ઓછા ઉલઝશે.
કોટન નહીં, સિલ્ક પીલો કવર પસંદ કરો
મોટાભાગના ઘરોમાં કોટન (સૂતર) ના ઓશીકાના કવર હોય છે. કોટન વાળની નમી શોષી લે છે, જેનાથી વાળ રૂક્ષ બને છે. તેની જગ્યાએ સિલ્ક અથવા સાટિનના કવર વાપરો. આ કાપડ લપસણું હોવાથી વાળમાં ઘર્ષણ ઓછું થાય છે અને સવારે વાળ ઓળતી વખતે તે ઓછા તૂટે છે.
વાળ ઓળીને ઢીલો ચોટલો બનાવો
રાત્રે સૂતા પહેલા વાળને હળવા હાથે ઓળીને ગૂંચ કાઢી લેવી જોઈએ. ગૂંચ કાઢ્યા પછી વાળ ખુલ્લા રાખવાને બદલે તેનો ઢીલો ચોટલો ગૂંથવો જોઈએ. યાદ રાખો કે વાળ બહુ ચુસ્ત (ટાઈટ) ન બાંધવા, નહીંતર મૂળ પર ખેંચાણ આવવાથી વાળ ખરવાનું પ્રમાણ વધી શકે છે.
‘પાઈનેપલ મેથડ’ અપનાવો
જો તમારે ચોટલો ન બનાવવો હોય, તો ‘પાઈનેપલ મેથડ’ શ્રેષ્ઠ છે. આ પદ્ધતિમાં બધા વાળને માથાની બિલકુલ ઉપર લઈ જઈને એકદમ ઢીલી પોનીટેલ બનાવવામાં આવે છે. તે દેખાવમાં અનાનસ જેવું લાગે છે. આનાથી વાળ એકબીજા સાથે ઘસાતા નથી અને ગૂંચ પડતી નથી.
ભીના વાળે ક્યારેય ન સૂવું
આ સૌથી મહત્વની ટીપ છે. ભીના વાળ અત્યંત નાજુક હોય છે. જો તમે ભીના વાળે સૂઈ જાઓ છો, તો ઓશીકા સાથેના ઘર્ષણથી તે વચ્ચેથી તૂટી જાય છે અને તેનાથી ડેન્ડ્રફ કે ફંગલ ઇન્ફેક્શનનો ખતરો પણ વધે છે.
વાળની સુંદરતા તમારી નાની નાની આદતો પર નિર્ભર છે. મોંઘી ટ્રીટમેન્ટ કરતા આ કુદરતી અને ઘરેલું આદતો તમારા વાળને લાંબા ગાળે હેલ્ધી અને ચમકદાર રાખશે.


