
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ, ડાંગમાં 2 ઈંચ
અમદાવાદઃ નૈરૂત્યનું સોમાસુ મુંબઈ પહોચ્યું છે. અને 15મી જુન બાદ ગુજરાત પહોંચવાની શક્યતા છે. ત્યારે પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગ રૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેમાં શનિવારે સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં એટલે કે બે કલાકમાં ગક્ષિણ ગુજરાતના ડાંગમાં બે ઈંચ. તાપી વલસાડ, કલોલમાં વરસાદ પડ્યો હતો. ઉપરાંત સોરઠના વિસાવદર, ગીરગઢડા અને વેરાવળ પંથકમાં શનિવારે દિવસ દરમિયાન મેઘરાજાએ એન્ટ્રી કરી હેત વરસાવ્યું હતું. જેથી રસ્તા પર પાણી વહેતા થવા લાગ્યા હતા. જેમાં વિસાવદર અને ગીરગઢડા પંથકમાં બપોરના સમયે અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ બાદ બપોર પછી ફરી દોઢ ઈંચ વરસાદ વરસતા ગીર ગઢડા પંથકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં પણ પોણો ઈંચ.વરસાદ વરસ્યો હતો.
રાજકોટમાં શનિવારે અસહ્ય બફારાથી લોકો અકળાયા હતા. જોકે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. સાંજના 5 વાગ્યા બાદ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં જસદણ પંથકમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. જસદણના શિવરાજપુર ગામમાં પણ વરસાદી ઝાપટુ વરસી ગયું હતું.
ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગમન થઈ ચૂક્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ડાંગમાં બે ઈંચ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ આદિવાસી ગામ વાઘાબારી ખાતે ધોધમાર વરસાદ પડ્યો હતો. શનિવારે વહેલી સવારે નવસારી શહેરમાં પણ અમી છાંટણા થયા બાદ ડુંગરાળ પ્રદેશ એવા આદિવાસી પંથક ગણાતા વાંસદા તાલુકાના ગામોમાં વરસાદી વાતાવરણ જામ્યું છે અને વરસાદ આવવાની શરૂઆત થઇ છે