
ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. જોકે સમયાંતરે હળવા ઝાપટાં પડી રહ્યા છે.પણ મેઘરાજા મન મુકીને વરસતા નથી. દરમિયાન અરબી સમુદ્રમાં હવાનું હળવુ દબાણ સર્જાતા ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે ઝાપટાં પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ઘોઘમાર વરસાદ પડી શકે છે.
ગાંધીનગર ખાતે આજે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે તેમજ તા. 30 જૂન થી 02 જુલાઈ દરમિયાન નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન કૃષિ વિભાગના કહેવા મુજબ આગામી તા.. 27મી જુન સુધીમાં રાજ્યમાં અંદાજિત 19,68,722 હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે તથા ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 25,02,288 હેક્ટર વાવેતર થયુ હતું.
સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર સરદાર સરોવર જળાશયમાં 1,48,358 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 44.41 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 1,85,719 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 33.27 ટકા છે. હાલમાં રાજ્યમાં કોઈ જળાશય એલર્ટ કે હાઇ એલર્ટ પર નથી.
ગાંધીનગર ખાતે મળેલી વેધર વોચ ગૃપની બેઠકમાં ચર્ચા દરમિયાન રાહત કમિશનરે NDRF અને SDRFની ટીમોને ડીપ્લોયમેન્ટ કરવા માટે રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ ગીર સોમનાથ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય ડીપ્લોય કરવા સૂચના આપી હતી. રાહત કમિશનરે બેઠક દરમિયાન આગામી સપ્તાહમાં થનાર વરસાદની આગાહીને ધ્યાને લઈ હાજર રહેલા તમામ વિભાગના અધિકારીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું. રાહત કમિશનરશ્રી દ્વારા GSDMAને વીજળી પડવાથી થતા સંભવિત નુકશાન અંગે સાવચેતીનાં પગલાં ભરવા અંગે વિવિધ મીડિયા મારફતે લોકજાગૃતિ કેળવવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, GMB, GSDMA અને માહિતી વિભાગ સહિતના અઘિકારીઓ હાજર રહ્યાં હતાં.