ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાયો, સૌરાષ્ટ્રમાં બીજો દિવસે સમયાંતરે પડતા વરસાદના ઝાપટાં
અમદાવાદઃ રાજ્યમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા બાદ મેઘરાજાની વાજતે-ગાજતે પુનઃ પઘરામણી થઈ છે. બુધવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગજરાતની ધરાને તરબોળ કર્યા બાદ આજે ગુરૂવારે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો. જેમાં પાટણ જિલ્લાના સિદ્ધપુર, સરસ્વતી, પાટણ, મહેસાણાના બેચરાજી, સાબરકાંઠાના પોશીના તથા બનાસકાંઠાના પાલનપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. સૌરાષ્ટ્રમાં આજે ગરૂવારે બીજા દિવસે વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ અને પડધરીમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યા છે અને ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થયું છે. રાજકોટમાં ધીમીધારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. તેમજ કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હોવાથી વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન થયા છે અને ફરજીયાત વાહનની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આજી 2 ડેમ ઓવરફ્લો થયો છે. આથી ડેમ હેઠળ આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઉત્તર ગુજરાતમાં પણ આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયેલા છે. અને પાંચે ય જિલ્લામાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. આજે સવારથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 42 તાલુકામાં વરસાદ પડ્યો હતો. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, મવડી, મોટા મવા, નાના મવા, ઢેબર રોડ, રેસકોર્સ, પારેવડી ચોક, ગ્રીનલેન્ડ ચોકડી, આજીડેમ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે રાજકોટમાં માત્ર 15 મિનીટમાં એક ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી બની ગયા હતા. તેમજ અનેક વિસ્તારોમાં લાઇટ ગુલ થયાની ફરિયાદ મળી હતી. ભાદર 1 ડેમનાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે 19 હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ છે. હાલ ડેમની સપાટી 21.60 ફૂટ પર પહોંચી છે.
રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદને કારણે તમામ ડેમોમાં નવા નીરની આવક થઇ છે. ભાદર ડેમની હાલની સપાટી 24.22 ફૂટે પહોંચી છે. જેની કુલ સપાટી 32 ફૂટ છે.આથી 24 કલાકમાં 1.54 ફૂટ નવા નીરની આવક થઇ છે. આજી 1 ડેમની હાલની સપાટી 16.80 ફૂટે પહોંચી છે ન્યારી 1 ડેમની હાલની સપાટી 17.10 ફૂટે પહોંચી છે. જ્યારે આજી 2 ડેમ ગત રાત્રે ઓવરફ્લો થયો છે. આ ડેમ ચાલુ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો છે.