પેશાવરમાં રાજ કપૂરની ઐતિહાસિક કપૂર હવેલી ધરાશાયી
પેશાવર, 5 એપ્રિલ 2026: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની પાકિસ્તાનના પેશાવર સ્થિત ઐતિહાસિક પૈતૃક મિલકત ‘કપૂર હવેલી’ પર કુદરતનો કહેર તૂટી પડ્યો છે. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલી આ હવેલીનો એક મોટો હિસ્સો રાત્રે આવેલા તીવ્ર ભૂકંપ અને સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે ધરાશાયી થઈ ગયો છે. આ ઘટનાને પગલે કપૂર પરિવારની ચાર પેઢીઓની યાદો સાથે જોડાયેલી આ ઈમારતના સંરક્ષણને લઈને ગંભીર ચિંતાઓ જાગી છે.
રિપોર્ટ્સ અનુસાર, પેશાવરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુસળધાર વરસાદને કારણે હવેલીનો ઢાંચો પહેલેથી જ નબળો પડી ગયો હતો. શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપના જોરદાર આંચકાને કારણે હવેલીનો એક ભાગ તૂટીને ચકનાચૂર થઈ ગયો હતો. જોકે, રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ખૈબર પખ્તુનખ્વાના હેરિટેજ કાઉન્સિલના સેક્રેટરી શકીલ વહીદુલ્લાએ આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
શકીલ વહીદુલ્લાએ પાકિસ્તાનના પુરાતત્વ વિભાગ અને સરકારને અપીલ કરી છે કે આ ઐતિહાસિક ઈમારતના બાકી રહેલા હિસ્સાને બચાવવા માટે તાત્કાલિક નક્કર પગલાં લેવામાં આવે. તેમણે ચેતવણી આપી છે કે જો સમયસર મરમ્મત કરવામાં નહીં આવે, તો આ આખી વિરાસત જમીનદોસ્ત થઈ શકે છે. પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં આવેલી આ ઈમારત પાકિસ્તાનની સૌથી જાણીતી ઐતિહાસિક ઇમારતોમાંની એક ગણાય છે.
1947ના ભાગલા પછી આ હવેલી સૂની પડી ગઈ હતી. કપૂર પરિવારે અનેકવાર આ હવેલીને મ્યુઝિયમમાં ફેરવવા માટે પાકિસ્તાન સરકારને વિનંતી કરી છે, પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આજે આ વિરાસત નામશેષ થવાના આરે છે. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન સરકાર આ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ઈમારતને બચાવવા શું કાર્યવાહી કરે છે.
આ પણ વાંચોઃ અદાલતી ચુકાદાઓમાં એઆઈના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ, માત્ર વહીવટી કામમાં જ મળશે છૂટ


