દિલ્હીઃ રાજસ્થાનના ચરુમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાલાસર પોલીસ વિસ્તારમાં આવેલા કોલાસર ગામમાં ટીચરે માર મારતા એક વિદ્યાર્થીનું મોત થયું હતું. વિદ્યાર્થી હોમવર્ક કરીને લઈને આવ્યો નહીં હોવાથી ટીચરે તેને માર માર્યો હતો. શિક્ષકે વિદ્યાર્થીનું માથુ પછાડવા ઉપરાંત લાત અને મુક્કા માર્યા હતા. જેથી નાકમાંથી લોહી નીકળ્યા બાદ વિદ્યાર્થી બેભાન થઈ ગયો હતો. જેના પરિણામે ડરી ગયેલો શિક્ષક તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં હાજર તબીબે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. બાળકના પિતાની ફરિયાદના આધારે પોલીસે શિક્ષકની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાને શિક્ષણમંત્રીએ ગંભીરતાથી લઈને તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી શાળાની માન્યતા રદ કરવાનો નિર્દેશ કર્યો છે. મૃતક બાળકનું નામ ગણેશ હોવાનું જાણવા મળે છે.
બાળકના પિતાએ જણાવ્યું હતું કે, તેના માથા ઉપર, આંખ અને મોઢા ઉપર ઈજાના નિશાન જોવા મળ્યાં હતા. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, કોલાસર ગામમાં રહેતો 13 વર્ષિય ગણેશ ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. બુધવારે વિદ્યાર્થી સ્કૂલ ગયો હતો. હોમવર્ક નહીં કરવા મુદ્દે શિક્ષક મનોજે તેને માર માર્યો હતો. જે બાદ તેનું અવસાન થયું છે. પિતાની ફરિયાદના આધારે શિક્ષક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બાળકના પિતાએ કહ્યું હતું કે, લગભગ સવા નવ કલાકે મનોજનો ફોન આવ્યો હતો. તેમજ કહ્યું હતું કે, ગણેશ હોમવર્ક લાવ્યો નથી. માર મારતા તે બેભાન થતા હોસ્પિટલ લઈ જવાયો છે. હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ખબર પડી કે તેનું અવસાન થયું છે. બાળક છેલ્લા 15 દિવસથી શિક્ષકની ફરિયાદ કરતો હતો. સ્કૂલમાં શિક્ષકના મારથી વિદ્યાર્થીના મોતની ઘટનાથી વાલીઓમાં રોષ ફેલાયો છે. એટલું જ નહીં આવા શિક્ષકોને આકરી સજા કરવાની માંગણી કરી છે.