
રાજસ્થાનઃ ગેહલોત સરકારે પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ ઘટાડવાનો કર્યો નિર્ણય
- અશોક ગહલોતે કેન્દ્ર સરકાર ઉપર કર્યા પ્રહાર
- અગાઉ રૂ. 3થી વધુનો કરાયો હતો ઘટાડો
દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ ઉપર ટેક્સ ઘટાડ્યા બાદ ભાજપ શાસિત રાજ્યોમાં પણ વેટ ઓછો કરવામાં આવ્યો છે. જો કે, કોંગ્રેસ સહિત વિપક્ષ પાર્ટી શાસિત રાજ્યોમાં સરકાર ઉપર વેટમાં ઘટાડો કરવા માટે પ્રેશર વધ્યું છે. પંજાબ બાદ રાજસ્થાનની અશોક ગહલોત સરકારે પણ પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ ઘટાડવાની જાહેરાત કરી છે. જો કે, કેટલો ઘટાડો કરાયો તે જાહેર કરવામાં આવ્યું નથી.
જોધપુરના એક ગામમાં આયોજીત એક કાર્યક્રમમાં અશોક ગહેલોતે જણાવ્યું હતું કે, દેશના મોટાભાગના રાજ્યોમાં ઈંધણના ભાવમાં ઘટાડો કર્યો છે તેમ રાજસ્થાનમાં પણ કરવામાં આવશે. અમારી સરકાર પેટ્રોલ અને ડીઝલ ઉપર વેટમાં ઘટાડો કરીને લોકોને રાહત આપવાનું કામ કરશે.
આ ઉપરાંત તેમણે ફરી એકવાર કેન્દ્ર સરકારને જ ઈંધણની વધતી કિંમત માટે જવાબદાર ગણાવી હતી. કેન્દ્ર સરકાર વધારે ટેક્સ મારફતે જનતાને લૂંટે છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે ઈંધણની કિંમતમાં સખત વધારો કર્યા બાદ સામાન્ય રાહત આપી છે. રાજસ્થાન સરકારે આ વર્ષે 29મી જાન્યુઆરી બાદ અત્યાર સુધીમાં પેટ્રોલ ઉપર વેટના રૂ. 3 અને ડીઝલ ઉપર રૂ. 3.80ની રાહત આપવામાં આવી હતી. જેથી રાજ્ય સરકારની તિજોરીને રૂ. 2800 કરોડનો બોજો વધ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે દેશની જનતાને ઈંધણના ભાવમાં રાહત આપ્યાં બાદ ગુજરાત સહિતના ભાજપ શાસિત રાજ્યોમાં ટેક્સનો ઘટાડો કરવામાં આવ્યો હતો. અગાઉ કોંગ્રેસ શાસિત પંજાબમાં પણ ચન્ની સરકારે પ્રજાને રાહત આપી હતી.