
રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના એડવાન્સ વેરા વળતર યોજના ગઇકાલે 31મી જુલાઈએ પૂર્ણ થઇ હતી. જુન મહિના સુધીની યોજનામાં મનપાને 107 કરોડ જેવી આવક થયા બાદ મુદતમાં વધારો કરતા જુલાઇ મહિનામાં પણ 14 કરોડ જેટલી આવક મનપાને થઈ છે. 56 ટકા લોકોએ ઓનલાઇન વેરો ભરી વળતર યોજનાનો લાભ લીધો હતો.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના ટેક્સ શાખાએ આપેલી માહિતી મુજબ 1 એપ્રિલ 2021થી 31 જુલાઇ 2021ના બપોર સુધીમાં 2,16,255 આસામીએ કુલ 121.31 કરોડનો ટેક્સ જમા કર્યો હતો. તેમાં ઓનલાઇન વેરાની થયેલી આવક 59.61 કરોડ છે. તે બાદના ક્રમે રોકડ 33.50 કરોડની અને ચેક મારફત 28.19 કરોડની આવક નોંધાઇ હતી. કુલ ટેક્સ ભરનાર પ્રામાણિક કરદાતાઓમાં વેબસાઇટ પર વેરો ભરનારા સ્માર્ટ નાગરિકોની સંખ્યા 56 ટકાથી વધુ એટલે કે 1,20,405 છે. જે ગત વર્ષ કરતા પણ વધી રહી હતી. જુલાઇ મહિનામાં 31મી સુધીમાં 14 કરોડનો વેરો ભરાયો હતો. 16,018 નાગરિકોએ 50 લાખની રોજની સરેરાશ સાથે ટેકસ જમા કરાવ્યો હતો. જેમાં 7008 નાગરિકે વોર્ડ ઓફિસમાં અને 6283 નાગરિકે વેબસાઇટ પર કાર્ડથી ટેક્સ ચૂકવ્યાનું વેરા વસુલાત શાખાએ જણાવ્યું હતું.
સૌથી વધુ વેરો સેન્ટ્રલ ઝોન સિવિક સેન્ટરમાં 10,699 આસામીએ ભર્યો હતો. તે બાદ વેસ્ટ ઝોનમાં 8,421 અને સામાકાંઠાના ઇસ્ટ ઝોનમાં 5,213 ભરાયો હતો. કોઠારીયા રોડ સિવિક સેન્ટરમાં 3692, કૃષ્ણનગર 2985, અમીન માર્ગ સેન્ટરમાં 4127 આસામીએ એડવાન્સ વેરો ભર્યો હતો. તો ICICI બેંકમાં આજ સુધીમાં 415 નાગરિકે વેરો જમા કરાવ્યો હતો. વોર્ડ ઓફિસે ટેક્સ ભરાનારા નાગરિકોની સંખ્યા 60,298 છે. કુલ 121.31 કરોડનો વેરો ભરીને નાગરિકોને કુલ 11 કરોડ જેટલું વળતર 5થી 15 ટકાની રીબેટ યોજના હેઠળ આપવામાં આવ્યું છે. હવે બાકી વેરા માટે નોટિસથી માંડી ઉઘરાણીની પ્રક્રિયા કરવામાં આવશે.