Site icon Revoi.in

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લગ્નોમાં ભાડે આપવા માટે વધુ ત્રણ પાર્ટી પ્લોટ બનાવાશે

Social Share

રાજકોટઃ શહેરમાં રહેતા પરિવારોને દીકરી-દીકરાના લગ્ન કરાવવાનો ખર્ચ રોજબરોજ વધતો જાય છે. ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારોને ખાનગી પાર્ટી પ્લોટ્સ કે હોલ ભાડે લેવાનો ખર્ચ પરવડતો નથી. ત્યારે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના ત્રણ વિસ્તારોમાં લગ્નોમાં ભાડે આપવા માટે પાર્ટીપ્લોટ્સ બનાવવામાં આવશે. આમ શહેરમાં વધુ 3 નવા પાર્ટી પ્લોટ બનતા લોકોને ખાનગી પાર્ટી પ્લોટનાં મસમોટા ભાડા ચુકવવાથી રાહત મળશે.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના લોકોને લગ્નપ્રસંગોમાં સારી સુવિધા આપવા માટે 18 મેરેજ હોલ બનાવેલા છે. જેમાં 26 યુનિટો કાર્યરત છે. જોકે હાલ પાર્ટી પ્લોટનું ચલણ વધ્યું હોવાથી બજેટમાં નવા પાર્ટી પ્લોટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત શહેરમાં હાલ 3 નવા અદ્યતન પાર્ટી પ્લોટ બનાવાશે.  જેમાં એક પાર્ટી પ્લોટ શહેરના મધ્યમાં શીતલ પાર્ક પાસે બનાવવામાં આવશે, તો બીજો મોરબી રોડ પર ગ્રીનલેન્ડ ચોકડીથી 0.8 કિલોમીટર દૂર આકાર લેશે. આ બંને પાર્ટી પ્લોટનાં નિર્માણથી લગ્ન સમારોહ સહિતના પ્રસંગો માટે લોકોને નજીવા ભાડે આધુનિક સુવિધાઓ મળી રહેશે. તેમજ વેસ્ટ ઝોનમાં તાલુકા પોલીસ મથક નજીક વધુ એક પાર્ટી પ્લોટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ શહેરમાં વધુ 3 નવા પાર્ટી પ્લોટ બનતા લોકોને ખાનગી પાર્ટી પ્લોટનાં મસમોટા ભાડા ચુકવવાથી રાહત મળશે.

આરએમસીના સૂત્રોના કહેવા મુજબ,  મ્યુનિના બજેટમાં પણ લોકો માટે ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત શીતલ પાર્કવાળા રસ્તે કમલમ કાર્યાલય નજીક કોર્પોરેશનનાં પ્લોટમાં એક પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં જીએસટી સહિત કુલ રૂ. 4.45 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ પાર્ટી પ્લોટમાં વર-વધૂના રૂમ, સ્ટોર રૂમ, ઈલેક્ટ્રિક રૂમ, ઓફિસ, ટોઇલેટ બ્લોક, વોશ એરિયા, પાર્કિંગ ઝોન, લોન એરિયા, મુખ્ય હોલ અને કિચન જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત વધુ એક અદ્યતન પાર્ટી પ્લોટ મોરબી રોડ પર બનશે. વોર્ડ નંબર 4 માં નિર્માણ પામનાર આ પાર્ટી પ્લોટ ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ પર એચ.પી.ના પેટ્રોલ પંપ બાજુમાં, જીએસટી સહિત રૂ. 4.21 કરોડના ખર્ચે તૈયાર થશે.  તેમજ શહેરના વેસ્ટ ઝોનમાં રાજકોટનાં તાલુકા પોલીસ મથક નજીક પણ એક પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે. તેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Exit mobile version