- રાજકોટ બસ સ્ટેશનમાં પ્રવાસીઓની ભારે ભીડ,
- ખાનગી ટ્રાવેલ્સ ઓપરેટરોએ ભાડા વધારી દીધા,
- રાજકોટ ડિવિઝનની દૈનિક આવકમાં રૂપિયા 60 લાખનો વધારો થયો
રાજકોટઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે એસટી બસ સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા આગોતરું આયોજન કરાયુ છે. હાલ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી 550 જેટલી બસ દોડે છે. ત્યારે રાજકોટ એસટી વિભાગ દ્વારા 100 એક્સ્ટ્રા એસટી બસ દોડાવવાનું આયોજન કરાયું છે. જેમાં રાજકોટથી અમદાવાદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ભાવનગર, ભુજ, જુનાગઢ, સોમનાથ, દેવભૂમિ દ્વારકા સહિતના સ્થળોએ તહેવારોમાં ભારે ભીડને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ થઈ ગયું છે.
રાજકોટ એસટી ડિવિઝન દ્વારા દિવાળી વેકેશન પૂર્ણ થાય ત્યાં સુધી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. જેથી પ્રવાસીઓને ખાનગી બસોમાં ઊંચા ભાડા આપવા ન પડે, રાજકોટ એસટી વિભાગમાં દૈનિક અંદાજે 25000 જેટલા મુસાફરો મુસાફરી કરે છે. જેમાં દિવાળી દરમિયાન અંદાજે 5000 નો વધારો થશે. હાલ પ્રવાસીઓના ધસારાને લીધે ખાનગી ટ્રાવેલ્સ ઓપરેટરોએ ભાડા વધારી દીધા છે. દરમિયાન એસટી બસ સ્ટેશન ઉપર ટિકિટ બુકિંગ કરાવવા માટે મુસાફરોની લાંબી લાઈનો ન થાય તે માટે એસટી વિભાગ દ્વારા GSRTC ની વેબસાઈટ અથવા તો એપ્લિકેશન પરથી ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવવા માટે અપીલ કરવામાં આવી છે. હાલ રાજકોટ એસટી ડિવિઝનની દૈનિક આવક રૂ. 60 લાખ જેટલી છે. જે દૈનિક આવક રૂ.70 લાખને પાર પહોંચી જશે. જોકે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે. જેમાં મુસાફર પાસેથી સવા ગણા ભાડાની વસૂલાત કરવામાં આવશે.
આ અંગે રાજકોટ એસટીના વિભાગીય નિયામકના કહેવા મુજબ રાજકોટ એસટી વિભાગ દ્વારા રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ગત વર્ષે દિવાળીમાં 80 એક બસો મૂકવામાં આવી હતી જેની સામે આ વર્ષે 100 બસો મૂકવામાં આવી છે. જેમાં રાજકોટથી 20, ગોંડલથી 15 અને સુરેન્દ્રનગરથી 10 સહિતની વધારાની બસો પ્રવાસીઓની સગવડતા માટે મૂકવામાં આવી છે. દિવાળીની પહેલા અમદાવાદ, દાહોદ, પંચમહાલ અને ભુજ તરફ જતી બસોમાં વધુ ભીડ હોવાથી ત્યાં જતી બસોમાં વધારો કરવામાં આવ્યો છે. દિવાળી પૂર્ણ થયા બાદ ભાઈબીજના દિવસે લોકલ ટ્રાફિક વધુ રહેવાની શક્યતા છે. જેમાં રાજકોટથી જૂનાગઢ, દ્વારકા, મોરબી, ગોંડલ, વડોદરા સહીતના સ્થળોએ જતી બસમાં ટ્રાફિક જોવા મળશે. ઓનલાઇન ટિકિટ બુકિંગ સોફ્ટવેરમાં પણ એક્સ્ટ્રા બસો ઉમેરી દેવામાં આવી છે. મુસાફરો www.gsrtc.in વેબસાઇટ તેમજ GSRTC ની મોબાઇલ એપ્લિકેશનની મદદથી ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવી શકે છે. જેથી એસટી બસ સ્ટેશન પર ટિકિટ બુકિંગ માટે મુસાફરોની ભીડ ઓછી રહે.