
રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાતમાં વધુ બે ઉમેદવારના નામ ભાજપાએ જાહેર કર્યાં
અમદાવાદઃ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે આગામી 24મી જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિ કરતા ત્રણ સભ્યોની પણ મુદત પૂર્ણ થઈ રહી છે. આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. દરમિયાન કેન્દ્રીય વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરએ બે દિવસ પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. દરમિયાન લંબાણપૂર્વકની ચર્ચા બાદ ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા ગુજરાતમાં બે અને પશ્ચિમ બંગાળના એક ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યાં છે.
ભાજપના કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા ગુજરાતના બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલાના નામની પસંદગી કરી છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં ભાજપના સિનિયર નેતા અનંત મહારાજની પસંદગી કરવામાં આવી છે. બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા બપોરના સમયે ઉમેદવારી ફોર્મ ભરવા જાય તેવી શકયતા છે. તેમની સાથે પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ કાંકરેજના પૂર્વ ધારાસભ્ય છે. આ ઉપરાંત ગૌ સંવર્ધન સેલ, ગુજરાત પ્રદેશ ભાજપના કન્વીનર તરીકે કાર્યભાર સંભાળી રહ્યાં છે. આ ઉપરાંત અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે તેઓ જોડાયેલા છે. ભાજપના ઉમેદવાર બાબુભાઈ જેસંગભાઈ દેસાઈને સમાજીક અગ્રણી અમૃતભાઈ આલએ શુભકામનાઓ પાઠવી છે. સામાજીક અગ્રણી અમૃતભાઈ આલ જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના પ્રણેતા છે.