
સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિરમાં રંગોત્સવ ઊજવાયો, રંગનો બ્લાસ્ટ કરાતાં આકાશ રંગબેરંગી થયું
બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિરમાં છેલ્લાં 35 વર્ષ બાદ પહેલીવાર ધુળેટીની અતિભવ્ય ઊજવણી કરવામાં આવી હતી . દાદાને અર્પણ કરાયેલાં 2 હજાર કિલોથી વધુ રંગ સંતો દ્વારા હરિભક્તો પર ઉડાડવામાં આવ્યો હતો. આ રંગોત્સવ માટે હનુમાનજી મંદિર દ્વારા વિશેષ તૈયારી પણ કરવામાં આવી હતી. આ માટે લોખંડની પાઇપમાં 3 કિલોથી વધુ રંગ ભરીને તેને બ્લાસ્ટ કરવામાં આવતાં બ્લાસ્ટ કરાયેલો રંગ 70 ફૂટ સુધી ઊંચે ઉડતાં આકાશમાં રંગબેરંગી નજારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત મંદિર પરિસરમાં 25 હજારથી વધુ અલગ-અલગ ચોકલેટ પણ હરિભક્તો પર ઉડાડવામાં આવી હતી. આજે દાદાના મંદિરમાં રંગોત્સવને મહાણવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા રંગોત્સવ માટે વિશેષ તૈયારી કરી દેવામાં આવી હતી. આજે દાદાને રંગ અને પિચકારી અર્પણ કરાયા છે. ધુળેટીના દિવસે દરેક હરિભક્તોને પ્રસાદીના રંગથી રંગવામાં આવ્યાં હતાં. આ માટે મંદિરના વિશાળ પરિસરમાં અમદાવાદના કારીગરો દ્વારા તૈયાર કરાયેલાં સ્પેશિયલ ટેક્નોલોજી દ્વારા લોખંડની પાઇપમાં ત્રણ કિલો રંગ ભરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ થતાં જ રંગ આકાશમાં 70 ફૂટથી વધુ ઊંચે ઉડતાં પરિસરમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.
સાળંગપુરમાં પહેલીવાર યોજાયેલા રંગોત્સવ માટે અમદાવાદ, સુરત અને બોટાદ સહિતના હરિભક્તોએ અહીં રંગો મોકલાવ્યા હતાં. અંદાજે 2 હજારથી કિલોથી વધુ રંગમાં હરિભક્તો દ્વારા મોકલાવેલાં કંકુ, અબીલ સહિતના ઓર્ગેનિક રંગ હતાં. શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને આજે પૂર્ણિમા અને ધુળેટીના દિવસે દિવ્ય શણગાર કરાયો હતો. દાદાને પંચરંગી વાઘા સહિત માટલી અલગ-અલગ ફૂલ અને પાનનું ડેકોરેશન પણ કરાયું હતું. દાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી પણ મૂકવામાં આવી હતી.