Site icon Revoi.in

દુર્લભ આર્કટિક પક્ષી ‘સબાઇન ગલ’ ગુજરાતના નળ સરોવરનું ખાસ મહેમાન બન્યું

Social Share

ગાંધીનગરઃ  વિશ્વમાં દુર્લભ એવું આર્કટિક પક્ષી ‘સબાઇન ગલ’ ગુજરાતના નળ સરોવરનું મહેમાન બન્યું છે. ગત તા.30 મે 2025 રોજ સવારે આશરે 9.૦૦ કલાકે નળ સરોવર વન્યજીવ અભયારણ્ય- રામસર સાઇટ ખાતે વન વિભાગના કર્મચારીઓને દુર્લભ પક્ષી ‘‘સબાઇન ગલ’’ -Sabine’s Gull જોવા મળ્યું હતું, જે પક્ષીપ્રેમીઓ અને પક્ષીવૈજ્ઞાનિકો માટે એક રોમાંચક, ગૌરવમય અને આનંદદાયક ક્ષણ હતી.

આ પક્ષી આર્દ્રભૂમિ (વેટલેન્ડ)માં ખુલ્લા પાણીમાં જોવા મળ્યું કે જેને અભયારણ્યના કર્મચારીઓ તેમજ મુલાકાતી પક્ષીપ્રેમીઓએ આનંદપૂર્વક નિહાળ્યું હતું. મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને વન- પર્યાવરણ મંત્રી  મુળુભાઈ બેરા તેમજ રાજ્ય મંત્રી  મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વન્યજીવોનું વધુને વધુ સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવી રહ્યું છે જેના પરિણામે વિશ્વભરમાંથી પક્ષીઓ ગુજરાતના મહેમાન બની રહ્યા છે જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન ક્ષણ છે તેમ, નળ સરોવર પક્ષી અભયારણ્ય, સાણંદ વન્યજીવ વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. સક્કિરા બેગમે વિગતો આપતાં જણાવ્યું હતું.

ડૉ.સક્કિરા બેગમે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત હતું, કારણ કે ‘સબાઇનનો ગુલ’નું  ભારતીય ઉપમહાદ્વીપ પર ભ્રમણ કરવું એ ખૂબ દુર્લભ છે. જાહેર પક્ષી અવલોકન ડેટાબેસ ઈ-બર્ડ અનુસાર, આવો નઝારો જવલ્લે જ જોવા મળે છે. આ અદ્ભૂત નજારો ભારતમાં છેલ્લે વર્ષ ૨૦૧૩માં કેરળમાં જોવા મળ્યો હતો. નળ સરોવર ખાતે જોવા મળેલા આ દુર્લભ પક્ષીની તસવીર ગાઈડ શ્રી ગનિ સમાએ પોતાના કેમેરામાં ક્લિક કરી હતી.

‘સબાઇન ગલ’ એક નાનું, સુંદર ગલ (પક્ષી) છે કે જે તેના આકર્ષક દેખાવના કારણે જાણીતું છે. સંવર્ધન અવસ્થામાં તેની ઓળખ તીક્ષ્ણ કાળા હુડ, ચોખ્ખા રાખોડી આવરણ અને સફેદ નેપ (ડોક)થી થાય છે. તેની સૌથી વિશિષ્ટ ઓળખ તેની ત્રિ-રંગી પાંખો છે કે જે કાળી, સફેદ અને રાખોડી રંગની હોય છે. આ તે બે ગુલમાંનું એક છે કે જેની ચાંચ કાળી, નોક પીળી તેમજ પૂંછ દાંતાવાળી હોય છે.

‘સબાઇનન ગલ’ મુખ્યત્વે ઉત્તર અમેરિકા, ગ્રીનલેન્ડ અને સાયબેરિયાના ઊંચા અક્ષાંશવાળા આર્કટિક વિસ્તારોમાં પ્રજનન કરે છે કે જ્યાં તે ટુંડ્રાની ભીની જમીન (આર્દ્રભૂમિ) નજીક માળો બનાવી વસવાટ કરે છે. તે મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય અપવેલિંગ વિસ્તારોમાં શિયાળો પસાર કરવા માટે લાંબા અંતરનો પ્રવાસ કરે છે કે જે દક્ષિણ અમેરિકા તેમજ આફ્રિકાના પશ્ચિમી કિનારાઓથી દૂર ઉત્પાદક સમુદ્રી વિસ્તાર છે. અન્ય પક્ષીઓની જેમ ‘સબાઇન ગલ’નો સ્થળાંતર માર્ગ  ભારતમાંથી પસાર થતો નથી. તેથી, ભારતમાં તેનું દેખાવું દુર્લભ અને અણધાર્યું ગણાય છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે આ પક્ષી તેનો માર્ગ ભટકી જતાં અહીં પહોંચ્યું હોય, પરંતુ આ પ્રકારનું અવલોકન અને નોંધણીઓ પક્ષીઓના અભ્યાસકર્તાઓ માટે ખૂબ જ રસપ્રદ ઘટના છે.

નળ સરોવર ભારતના સૌથી મોટા અને પર્યાવરણીય રીતે મહત્વના આર્દ્રભૂમિ અભયારણ્યોમાંનું એક છે કે જે ફ્લેમિંગો, પેલિકન્સ, બતક અને વાડર જેવી અનેક સ્થળાંતરક અને સ્થાયી પક્ષી જાતિઓ માટે સુરક્ષિત આશરો પૂરો પાડે છે. ‘સબાઇન ગલ’નું અચાનક દેખાવું આ અભયારણ્યની વૈશ્વિક સ્તરે પક્ષી જીવન માટેની મહત્વની ઓળખમાં વધારો કરે છે અને નળ સરોવરનું વૈશ્વિક પક્ષીશાસ્ત્રમાં સ્થાન વધુ મજબૂત કરે છે. આ અવલોકન વન વિભાગના સ્ટાફ અને પક્ષીપ્રેમીઓ દ્વારા સતત નિરીક્ષણ અને દસ્તાવેજીકરણની મહત્તતાને જાગૃત કરે છે. આવી દુર્લભ ઘટનાઓ સંશોધકોને પક્ષીઓના સ્થળાંતર, પક્ષીઓની ફરવા જવાની ગતિવિધિઓ અને આબોહવા તથા પર્યાવરણીય પરિવર્તનના વ્યાપક પરિણામો વિશે વધુ સમજવામાં મદદ કરે છે.

Exit mobile version