1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લગ્ન વયમર્યાદા વધારવાનો કાયદો ભારતીય મહિલાઓના સશક્તિકરણની દિશામાં સીમાચિહ્નરૂપ પગલું
લગ્ન વયમર્યાદા વધારવાનો કાયદો ભારતીય મહિલાઓના સશક્તિકરણની દિશામાં સીમાચિહ્નરૂપ પગલું

લગ્ન વયમર્યાદા વધારવાનો કાયદો ભારતીય મહિલાઓના સશક્તિકરણની દિશામાં સીમાચિહ્નરૂપ પગલું

0
Social Share

યુવતીઓની લગ્ન વયમર્યાદા 18 થી વધારીને 21 કરવાના નિર્ણયના પાસાઓનું મહત્વપૂર્ણ વિશ્લેષણ

ડૉ. શિરીષ  કાશીકર

અમદાવાદ: આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આપણે 23 જાન્યુઆરી, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી શરૂ કરી દીધી છે. દેશના વિકાસ સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ પર આ સાથે આગવું સમૂહચિંતન થઈ રહ્યું છે. એ પૈકી એક મહત્વનો મુદ્દો છે મહિલાઓની લગ્ન વય વધારવાનો. હાલમાં આ ઉંમર મર્યાદા 18 વર્ષની છે જે વધારીને 21 વર્ષની કરવાનો સરકારે નિર્ણય કર્યો  છે. આ નિર્ણય પર અનેક હકારાત્મક અને નકારાત્મક ચર્ચાઓ ચાલે છે. આવો, આ નિર્ણયના કેટલાક મહત્વપૂર્ણ પાસાઓનું વિશ્લેષણ જોઈએ.

તાજેતરમાં એક ઐતિહાસિક પગલું લઈને કેન્દ્રીય કેબિનેટે મહિલાઓની કાનુની લગ્ન વયમર્યાદા 18 થી વધારીને 21 વર્ષની કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય નીતિ આયોગ અને એક સ્પેશિયલ ટાસ્કફોર્સ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલ અને ભલામણના આધારે લેવામાં આવ્યો છે.આ ટાસ્કફોર્સ શ્રીમતી જયા જેટલીની અધ્યક્ષતામાં બનાવાઈ હતી જેમાં નીતિ આયોગના ડૉ. વી. કે. પોલ તેમજ કાયદો, આરોગ્ય, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવો સામેલ હતા. આ ટાસ્કફોર્સ દ્વારા મહિલાઓમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન, લગ્ન વયમર્યાદામાં ફેરફાર કરવાથી બાળ મૃત્યુદરમાં થનારો સંભવિત ઘટાડો, માતા મૃત્યુદર, માતાનું માનસિક આરોગ્ય, બાળક અને માતાની પોષણક્ષમતા, જન્મ સમયે છોકરા છોકરીના જન્મદર વચ્ચેનો તફાવત આ તમામ બાબતો પર તલસ્પર્શી અભ્યાસ હાથ ધરાયો હતો. કેબિનેટના આ નિર્ણયને દેશભરમાંથી ઉમદા પ્રતિભાવ સાંપડ્યો છે, જેમાં જ્ઞાતિ-જાતિના કે ધર્મના ભેદ વગર સહુકોઈએ તેને આવકાર આપ્યો છે. જો કે દેશના એક વર્ગે તેના પર પ્રશ્ન ઉઠાવ્યા છે, અને તેના જવાબો મળવા પણ જરૂરી છે.

આ નિર્ણય સંદર્ભે એવા આક્ષેપો થઈ રહ્યા છે કે વસ્તી નિયંત્રણ માટે તેને અમલમાં લાવવામાં આવી રહ્યો છે. જોકે રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણનો ડેટા જોઈએ તો કંઈક જુદી જ તસવીર સામે આવે છે. આ સર્વે પ્રમાણે ટોટલ ફર્ટિલીટી રેટ ( ટીએફઆર) માં ઘટાડો થઈ રહ્યો છે અને દેશની વસ્તી નિયંત્રણમાં છે. ભારતમાં પહેલીવાર ટીએફઆર 2.0 પર પહોંચ્યો છે તે બતાવે છે કે વસ્તી વિસ્ફોટની તીવ્રતા ઘટી રહી છે. આ સર્વેક્ષણ અંગે ટાસ્ક ફોર્સના અધ્યક્ષા શ્રીમતી જયા જેટલીએ સોઇ ઝાટકીને કહ્યું છે કે “ સર્વેક્ષણ 16 જેટલા વિશ્વવિદ્યાલયો અને 15 બિનસરકારી સ્વૈચ્છિક સંસ્થાઓ (એન.જી.ઓ)ના ફિડબેક દ્વારા તૈયાર કરાયો છે. તેમણે ૨૧ થી ૨૩ વર્ષની વચ્ચેના લગ્નની ઉંમરને લાયક યુવાઓ સાથે સંપર્ક કરીને આ સર્વેક્ષણ હાથ ધર્યું હતું. જેમાં ખાસ કરીને ગ્રામીણ અને હાંસિયા પરના સમુદાયોનો સમાવેશ કરાયો હતો અને એમાં પણ જે જિલ્લાઓમાં બાળવિવાહની પ્રથા પ્રચલિત છે તેનો ખાસ સમાવેશ કરાયો છે.આ ફીડબેક તમામ ધર્મોના પ્રતિભાવકર્તાઓ પાસેથી, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાંથી સમાનપણે લેવામાં આવ્યો છે.”

જો કે હજુ કેબિનેટના નિર્ણયના સ્તરે રહેલી આ બાબતને કાયદામાં પરિવર્તિત કરવા માટે વિવિધ કાયદા જેવા કે ચાઇલ્ડ મેરેજ એક્ટ 2006, સ્પેશિયલ મેરેજ એક્ટ તથા પર્સનલ લો જેવા કે હિન્દુ મેરેજ એક્ટ 1955 વગેરેમાં સુધારા કરવા પડશે. એકવાર કાયદો બન્યા પછી તે દેશની તમામ મહિલાઓ પર ધર્મ કે સમુદાયના ભેદભાવ વગર લાગુ થશે. આ કાયદાને કારણે યુવતીઓને ઉચ્ચ અભ્યાસ માટે પૂરતો સમય મળશે પરિણામે તેઓ કૌશલ્ય પ્રાપ્ત કરી આર્થિક રીતે સ્વતંત્ર થઈ શકશે. અને જો યુવતી આર્થિક પગભર હશે તો માતાપિતા પણ તેને જલ્દીથી પરણાવતા પહેલાં બે વાર વિચાર કરશે. આ ઉપરાંત વહેલા લગ્ન એ  વહેલા માતૃત્વ તરફનું પહેલું પગથિયું પણ છે જે કોઈપણ આધુનિક યુવતી માટે શારીરિક, માનસિક અને આર્થિક પડકાર જ છે. જો મોડા લગ્ન થાય તો મોડું માતૃત્વ આવે અને મહિલા પોતાના ભવિષ્યને સુરક્ષિત કરી શકે. જો આવું થાય તો આર્થિક સ્વાતંત્ર્ય અને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણના સુભગ સમન્વયથી સશક્ત મહિલા આપોઆપ પુરુષ સમોવડી બને, જેને ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ ગણી શકાય.

આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો આજે વૈશ્વિક સ્તરે વસ્તીમાં મહિલાઓની સંખ્યા ૫૦ % જેટલી છે. પરંતુ મોટાભાગની યોજનાઓનો લાભ એ માત્ર પુરુષોને ધ્યાનમાં રાખીને ન બની હોવા છતાં  પુરુષોને જ મળે છે અને તેમનું સશક્તિકરણ વધારે થાય છે. જો કે એના પાછળ સામાજીક નિયમો , રૂઢિઓ, પિતૃસત્તાક સમાજવ્યવસ્થા અને ક્યારેક સરકારી ઉદાસીનતા પણ જવાબદાર હોય છે. અને એટલે જ સરકારનો  મહિલા લગ્ન વયમર્યાદા વધારવાનો નિર્ણય મહિલા સશક્તિકરણની દિશામાં સિમાચિહ્નરૂપ પગલું છે.

પરંતુ આ નિર્ણયને જનસમર્થન તો જ મળશે જો તેના માટે વધુને વધુ જન જાગૃતિ આવે તેવા કાર્યક્રમો શાળા-કોલેજોમાં થાય, શાળા/ કોલેજમાં ભણવા માંગતી વિદ્યાર્થીનીઓને રોકટોક વગર, દૂરસુદૂરના વિસ્તારોમાં વાહનની વ્યવસ્થા સાથે શિક્ષણનો લાભ મળે, તો આ નિર્ણય પર હકારાત્મક વાતાવરણ ઉભું થશે. આ નિર્ણય પર ઉભા થઇ  રહેલા શંકાના  વાદળોને તો જ હટાવી શકાશે જ્યારે આપણી માતાઓ, બહેનો અને દીકરીઓ આ મુદ્દે નિ:શંક બને, તેમનું સશક્તિકરણ સરળ બને. કારણ કે અંતે તો શિક્ષિત અને સશક્ત મહિલા જ સમગ્ર પેઢીને તારી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code