
SoU નું પ્લાન કરતા હોય તો પહેલા વાંચી લેજો: પાવર હાઉસ-ક્રૂઝ બોટ સેવા કરાઇ બંધ
- SoU માટે પ્લાન કરતા હોય તો પહેલા આ ન્યૂઝ વાંચી લેવા હિતાવહ
- નર્મદામાં પાણી ઘટતા પાવર હાઉસ-ક્રૂઝ બોટ સેવા બંધ કરાઇ
- આગામી ચોમાસા સુધી આ ક્રૂઝ બોટ સેવા બંધ રહે તેવી સંભાવના
નર્મદા: જો તમે પણ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પ્રવાસે જવાનું આયોજન કરતા હોય તો પહેલા આ ન્યૂઝ વાંચી લેજો. સામાન્યપણે ઉનાળો શરૂ થતા જ નર્મદા નદીમાંથી પાણી પણ ઓછું થતું હોય છે. આ વખતે પણ પાણી ઓછું થયું છે. નર્મદા બંધની જળ સપાટીમાં ઘટાડો થતા રિવરબેડ પાવર હાઉસ બંધ કરી દેવાયું છે. સાથે નર્મદા નદી સૂકી થવાથી એકતા ક્રૂઝ બોટ પણ બંધ કરી દેવામાં આવી છે.
નર્મદા નદીમાં છોડવામાં આવતો પાણીનો પ્રવાહ હાલ બંધ કરી દેવાયો છે. એટલે કે, નર્મદા નદી એકદમ સુકીભઠ્ઠ થઇ ચૂકી છે. એટલે જે 20 થી 25 મીટર પાણીમાં ક્રુઝ બોટ તરી શકે એ એકતા ક્રૂઝ બોટ પણ પાણીના અભાવે હવે બંધ કરી દેવામાં આવી છે.
હવે જ્યારે ફરી ચોમાસુ બેસે ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ વધે ત્યારે ફરીથી એકતા ક્રૂઝ બોટ શરૂ થાય તેવી સંભાવના છે. ત્યાં સુધી તો બંધ જ રહેશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. આ દરમિયાન આવતા પ્રવાસીઓ ક્રૂઝ બોટનો લાભ ઉઠાવી શકશે નહી.
સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી 12557 મીટર પર છે, એટલે કે 138.68 મીટરથી આઠ મીટર નીચે ઉતરી છે. હાલ 2227 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો સરદાર સરોવરમાં છે.
(સંકેત)