
- પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ શકે છે ઘટાડો
- રાજ્ય સરકાર વેટ ઘટાડવાનું વિચારી રહી છે
- સરકારના આ નિર્ણયથી સામાન્ય પ્રજાને થશે રાહત
અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીની સાથોસાથ મોંઘવારીથી પણ પ્રજા ત્રસ્ત છે અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ આગઝરતી તેજી જોવા મળી રહી છે. આ વચ્ચે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે.
ગુજરાત સરકાર હવે પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ ઘટાડવા અંગે વિચારણા કરી રહી છે. વીજળીના પ્રતિ યુનિટ ફ્યૂઅલ ચાર્જમાં પણ ઘટાડાનો રાજ્ય સરકાર વિચાર કરી રહી છે. ફ્યુઅલ ચાર્જ પ્રતિ યુનિટ 5.50 થી ઘટાડી 4 રૂપિયા કરવામાં આવી શકે છે.
હાલ પેટ્રોલ-ડીઝલ ઉપર 20 રૂપિયા વેટ અને 4 રૂપિયા સેસ છે તેમાં ઘટાડો કરવામાં આવી શકે છે. પેટ્રોલ ડીઝલના ભાવવધારને કારણે દેશમાં રિટેલ અને જથ્થાબંધ મોંઘવારી દર પણ સતત વધી રહ્યો છે. રાજ્યના મોટા શહેરો જેવા કે અમદાવાદ, સુરત, ભાવનગર, જૂનાગઢ તેમજ જામનગરમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ ઓછું થતા સરકારે પ્રતિબંધો હળવા કરતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થતા સામાન્ય પ્રજાને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. પરંતુ હવે રાજ્ય સરકાર વેટ ઘટાડવા વિચારી રહી છે. સરકાર જો વેટ ઘટાડે તો પ્રજાને રાહત થઇ શકે છે.