- રાજ્યના શિક્ષણ ક્ષેત્રે મહત્તમ રોજગારી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્વ
- નજીકના ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે 6,616 રોજગારીનું થશે સર્જન: શિક્ષણ મંત્રી
- સરકારી અનુદાનિત કોલેજોમાં કેન્દ્રીયકૃત રીતે 927 અધ્યાપક સહાયકોની ભરતી કરાશે
ગાંધીનગર: શિક્ષણ ક્ષેત્રે મહત્તમ રોજગારી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્વ છે ત્યારે આ રોજગારી પૂરી પાડવાના ઉદેશ્ય સાથે આજે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટી જાહેરાત કરી છે. જાહેરાત અનુસાર નજીકના ભાવિમાં શિક્ષણ ક્ષેત્રે 6,616 રોજગારીનું સર્જન કરવામાં આવશે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ તેમજ ઉચ્ચત્તર-માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે રોજગાર અવસર દ્વારા કારકિર્દી ઘડતર માટે 6,616 જેટલી નવી ભરતી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
શિક્ષણ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી-નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારે યુવાનોને શૈક્ષણિક ક્ષેત્રે વ્યાપક રોજગારી મળે તે સાથે શિક્ષણ સુવિધાઓનો વ્યાપ વિસ્તારવાના ઉદાત્ત ભાવથી આ નવી ભરતીનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય હેઠળ સરકારી અનુદાનિત કોલેજોમાં કેન્દ્રીયકૃત રીતે 927 અધ્યાપક સહાયકોની ભરતી કરાશે. રાજ્યની કોલેજોમાં વિવિધ 44 જેટલા વિષયો માટે 927 અધ્યાપક સહાયક સેવાઓ આ ભરતી પૂર્ણ થતાં મળતી થશે.
અધ્યાપક સહાયકોની આ ભરતી માટે તા.20 જાન્યુઆરી, 2021 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે અને ભરતીની વધુ વિગતો www.rascheguj.in વેબસાઇટ પરથી ઉપલબ્ધ બની રહેશે. આ સાથે રાજ્યની બિનસરકારી માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ 5,700 શિક્ષણ સહાયકોની ભરતી રાજ્ય સરકાર કરશે.
તે ઉપરાંત નવી બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 3,382 અને નવી બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2,307 શિક્ષણ સહાયકોની નિમણૂક કરવામાં આવશે. શિક્ષણ મંત્રીએ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જે 3,382 શિક્ષણ સહાયકોની ભરતી થવાની છે તેની વિગતો આપતાં કહ્યું કે, અંગ્રેજી વિષય માટે 624, એકાઉન્ટ એન્ડ કોમર્સ વિષય માટે 446, સોશિયોલોજી વિષય માટે 334, ઇકોનોમિકસ વિષય માટે 276, ગુજરાતી વિષય માટે 254 તેમજ અન્ય વિષયોના શિક્ષણ સહાયકોની ભરતી થશે.
આ જ પ્રમાણે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન વિષય માટે 1,037, અંગ્રેજી વિષય માટે 442, સામાજિક વિજ્ઞાન વિષય માટે 289, ગુજરાતી વિષય માટે 234 તેમજ અન્ય વિષયો માટેની મળી કુલ 2,307 શિક્ષણ સહાયકોની ભરતી કરાશે.
(સંકેત)


