1. Home
  2. Dharma-ધર્મ
  3. ભારતમાં ધર્મ હજુ પણ સામ્રાજ્યવાદી માનસિકતામાંથી મુક્ત થયો નથી: જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી
ભારતમાં ધર્મ હજુ પણ સામ્રાજ્યવાદી માનસિકતામાંથી મુક્ત થયો નથી: જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી

ભારતમાં ધર્મ હજુ પણ સામ્રાજ્યવાદી માનસિકતામાંથી મુક્ત થયો નથી: જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી

0
Social Share

દેશમાં હિન્દુ ધર્મસ્થાનો સરકારી નિયંત્રણમાંથી કેમ મુક્ત થઈ નથી શકતાં એ વિશે અનેક વખત અનેક સ્તરે ચર્ચા થતી રહી છે. રાજકીય ઈચ્છાશક્તિના અભાવે અને ક્યારેક અદાલતી ચુકાદાને કારણે મંદિરો અને ધાર્મિક પરંપરાઓ ઉપર કુઠારાઘાત થાય છે. કેરળમાં સબરીમાલા મંદિર, તમિલનાડુની થિરુપરમકુંદરમ પહાડી ઉપર વર્ષમાં એક વખત દીપમ પ્રાગટ્યની પરંપરા, તમિળનાડમાં જલિકટ્ટુ, મહારાષ્ટ્રમાં દહીં હાંડી, ગુજરાતમાં નવરાત્રી, પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા – જેવાં ઉદાહરણ દેશના દરેક રાજ્યમાં છે જ્યાં 75 વર્ષથી હિન્દુઓ મોકળા મને પોતાની ધાર્મિક પરંપરાઓ, ઉત્સવો ઉજવી શકતા નથી, મન મૂકીને માણી શકતા નથી. વિદ્વાન વકીલે વર્ષોથી આ બધા સામે અદાલતોમાં લડત આપી રહ્યા છે છતાં મંદિરોની અને હિન્દુ ધાર્મિક પરંપરાઓને મુક્તિ મળી શકતી નથી.

સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાથી સદીઓ જૂની હિન્દુ પરંપરા જોખમમાં છે ત્યારે હવે તેની સામે થયેલી રિવ્યૂ પિટિશનની સુનાવણી સાત એપ્રિલથી શરૂ થવાની છે. આ સંજોગોમાં હિન્દુઓ વતી એક પ્રખર વિદ્વાન જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી છેલ્લા થોડા સમયથી આવકારદાયક રીતે સક્રિય થયા છે અને હિન્દુઓ વતી ખૂબ સચોટ અને ધારદાર દલીલો કરી રહ્યા છે. પૂજ્ય યુગભૂષણસૂરીજીએ થોડા દિવસ પહેલાં આ સંદર્ભમાં એક ખૂલ્લો પત્ર લખીને સબરીમાલાની સદીઓ જૂની પરંપરાના સમર્થનમાં સબળ રજૂઆત કરી હતી. પૂજ્ય યુગભૂષણસૂરીજીએ એટલેથી ન અટકતા આજે ખૂબ વિસ્તૃત લેખ લખીને શા માટે સબરીમાલા સહિત તમામ ભારતીય મંદિરો અને હિન્દુ ધાર્મિક પરંપરાઓ રાજ્યસત્તા તેમજ અદાલતી દખલથી મુક્ત હોવી જોઈએ તેની ઐતિહાસિક છણાવટ કરી છે. પૂજ્ય જૈનાચાર્યે જે પ્રશ્નો ઉઠાવ્યા છે તે ન્યાયતંત્ર ઉપરાંત રાજકારણીઓને પણ વિચારવા મજબૂર કરશે એવી અપેક્ષા અસ્થાને નથી.

મૂળ અંગ્રેજીમાં લખાયેલા આ લેખનો ગુજરાતી અનુવાદ અહીં નીચે પ્રસ્તુત છેઃ પૂજ્ય જૈનાચાર્યાના આ લેખ વિશે નાગરિકો તેમના અભિપ્રાય અમને ઈમેલ એડ્રેસ – editor@revoi.in ઉપર મોકલી શકે છે.

================

નવ ન્યાયાધીશની બેન્ચ સબરીમાલા પર ફરી સુનાવણી કરવાની છે ત્યારે પાયાનો પ્રશ્ન હજુ યથાવત છે: રાજ્યએ આધ્યાત્મિક બાબતો પર અધિકારક્ષેત્ર ક્યારે પ્રાપ્ત કર્યું?

લેખક: પરમ પૂજ્ય જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી

4 એપ્રિલ, 2026

સર્વોચ્ચ અદાલતની નવ ન્યાયાધીશની બંધારણીય બેન્ચ 7 એપ્રિલે એવી સુનાવણી શરૂ કરશે જે ભારતમાં પ્રજાસત્તાકની સ્થાપના પછી ધાર્મિક સ્વતંત્રતા વિશે સૌથી મહત્ત્વપૂર્ણ સંદર્ભ બની રહેશે. એ છે સબરીમાલા કેસના ચુકાદાની ફેર-સમીક્ષા, જેમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગેના પ્રશ્નનો સમાવેશ થાય છે. મૂળ મુદ્દો આ વિશિષ્ટ મંદિરમાં હાલ માત્ર ચોક્કસ વયની મહિલાઓ પ્રવેશ કરી શકે કે કેમ, તે બાબત પૂરતો મર્યાદિત લાગે છે. પરંતુ અદાલત દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો ઘણા વ્યાપક છે. આ પ્રશ્નો છે: કલમ 25 અને 26 હેઠળ ધાર્મિક સ્વતંત્રતાનો વ્યાપ્ત શું છે? “આવશ્યક ધાર્મિક પ્રથા” શું છે? શું અદાલતો શ્રદ્ધાની વિષયવસ્તુ નક્કી કરી શકે છે? અને વ્યક્તિગત અધિકારો તથા ધાર્મિક સંપ્રદાયોની સ્વાયત્તતા વચ્ચેનો સંબંધ શું છે?

આ પ્રશ્નો અત્યંત મહત્ત્વના છે. પરંતુ તે એક એવા મૂળભૂત પ્રશ્ન સંકળાયેલા છે જે ક્યારેય પૂછવામાં આવ્યો નથી, જવાબ તો દૂરની વાત છે. એ પ્રશ્ન છેઃ ભારતે સૌ પ્રથમ ભારતીય ધર્મોની આંતરિક બાબતો પર નિયંત્રણ કરવાની સત્તા ક્યારે પ્રાપ્ત કરી?

આ માત્ર વાતો નથી, પણ એક બંધારણીય પ્રશ્ન છે. રાજ્ય દ્વારા ઉપયોગમાં લેવાતી દરેક સત્તાનો ઉદ્ભવ કોઈ કાયદેસરના સ્ત્રોત — સંમતિ, હસ્તાંતરણ, પ્રતિનિયોજન અથવા બંધારણીય અનુમતીમાં મળવો જોઈએ. રાજ્ય કર ઉઘરાવે છે કારણ કે બંધારણ કર લાદવાની સત્તા આપે છે. તે કાયદા ઘડે છે કારણ કે કાયદાકીય સત્તા તેને સોંપવામાં આવી છે. પરંતુ જ્યારે મંદિરો પર સમિતિઓની નિમણૂક કરવાની, ધાર્મિક એન્ડોમેન્ટ્સ (દાનનિધિ)નું સંચાલન કરવાની, ન્યાયિક બેન્ચ દ્વારા શ્રદ્ધાના વિષયમાં શું “આવશ્યક” છે તે નક્કી કરવાની અને આધ્યાત્મિક પ્રથાઓ પર નિર્ણય આપવાની વાત આવે ત્યારે તેનો સ્ત્રોત ક્યાં છે? આનો એક જવાબ હોવો જોઈએ, પણ તે ક્યાંય નથી.

ભારત સ્વતંત્ર થયો ત્યારે સત્તાનું હસ્તાંતરણ એ એક દસ્તાવેજી કાયદેસરની ઘટના હતી. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ, 1947 દ્વારા એ સ્પષ્ટ કર્યું હતું કે શું ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે. તેની કલમ 6(1)માં જાહેર કર્યું હતું કે દરેક નવી ધારાસભા પાસે તેના અધિકારક્ષેત્ર માટે કાયદા બનાવવાની સંપૂર્ણ સત્તા હશે. જોકે, આનો અર્થ માત્ર ભૌતિક સત્તા જ હોઈ શકે: પ્રદેશ, મહેસૂલ, ફોજદારી કાયદો, સંરક્ષણ. જાણીતા બંધારણીય વિદ્વાન એચ.એમ. સીરવાઈએ તેમના પાયાના કાર્યમાં સ્પષ્ટ કર્યું હતું કે, બંધારણ સભાની સત્તા ગૌણ હતી — તે ઇન્ડિપેન્ડન્સ એક્ટમાંથી આવી હતી. કોઈપણ ગૌણ સત્તા તેના મૂળ સ્ત્રોત કરતાં વધી શકે નહીં. તે માત્ર તેને જે સોંપવામાં આવ્યું હોય તે જ આગળ ધપાવી શકે છે.

આ મુદ્દો એ બાબતનો છે જેનો નિર્ણય તેમને સોંપવામાં આવ્યો ન હતો, અર્થાત ભારતીય ધર્મોની આંતરિક વ્યવસ્થા પરની સત્તા. બ્રિટિશ તાજે ક્યારેય હિન્દુ ધર્મ, જૈન ધર્મ, શીખ ધર્મ, બૌદ્ધ ધર્મ કે ઇસ્લામ પર આધ્યાત્મિક અધિકારક્ષેત્રનો દાવો કર્યો નહોતો. તેઓ કરી પણ ન શક્યા હોત, કારણ કે આ પરંપરાઓએ ક્યારેય બ્રિટિશ તાજનો આધ્યાત્મિક સત્તા તરીકે સ્વીકાર કર્યો ન હતો, અને તાજે પણ ક્યારેય પોતાને સત્તા તરીકે સ્થાપિત કર્યા ન હતા. આમ, જો બ્રિટિશરો પાસે ક્યારેય આ સત્તા હતી જ નહીં, અને જો બંધારણ સભાની સત્તા બ્રિટિશ હસ્તાંતરણમાંથી ઉતરી આવી હતી — તો ધર્મ પર રાજ્યનું અધિકારક્ષેત્ર ક્યાંથી આવ્યું? આ અંગે કોઈ ચર્ચા થઈ નહોતી. કોઈ કાયદો ઘડાયો નહોતો. કોઈ સંમતિ લેવામાં આવી નહોતી. તેને મૌન રીતે, ધીમે-ધીમે અને હસ્તાંતરણના કોઈપણ ઓળખી શકાય તેવાં સાધન ચિહ્નિત કર્યા વિના માની લેવામાં આવ્યું હતું.

જે માની લેવામાં આવ્યું છે તે સમજવા માટે હકીકતે તો આ ધારણા પહેલાં શું અસ્તિત્વમાં હતું તેનો વિચાર કરવો જોઈએ. ભારત એક એવો દેશ છે જેની રાજકીય પૃષ્ઠભૂ રજવાડાં દ્વારા તૈયાર થઈ હતી. દેશ ક્યારેક અનેક રજવાડાંના શાસન હેઠળ વિભાજિત હતો, તો ક્યારેક નંદ વંશથી લઈને ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક હેઠળના મૌર્ય સામ્રાજ્ય સુધીના એક શક્તિશાળી સામ્રાજ્ય હેઠળ એકીકૃત હતો. તેમ છતાં ભૌતિક સત્તાના આ તમામ ફેરફારો વચ્ચે, ધર્મો આપણી સભ્યતાના સાચા અને અખંડ પરંપરા તરીકે ટકી રહ્યા. ધર્મ અનૌપચારિક નહોતા. તે કામચલાઉ નહોતા. તે સ્વતંત્ર દાર્શનિક પાયા પર આધારિત, સંરચિત, સરહદ વિનાના, નિયમોથી બંધાયેલા અને સ્વ-સંચાલિત હતા.

પુરીના જગન્નાથ મંદિરને તત્કાલીન ઓડિશાના રાજ્યપાલના અધ્યક્ષપદ હેઠળની ‘શ્રી જગન્નાથ મંદિર વહીવટ સુધારણા સમિતિ’ દ્વારા “એક મોટા રાજ્યની અંદર એક નાનું રાજ્ય” તરીકે વર્ણવવામાં આવ્યું હતું. આઠમી સદીમાં સ્થપાયેલા શંકરાચાર્ય મઠોએ બારસો વર્ષો સુધી અખંડ પરંપરા જાળવી રાખી છે, જે દરેક આ ભારતીય ઉપખંડના એક મુખ્ય પ્રવાહનું સંચાલન કરે છે. ઉડુપીના અષ્ટ મઠો સાત સદીથી દર બે વર્ષે શ્રી કૃષ્ણ મઠના વહીવટમાં ફેરબદલ કરે છે, જેમાં કોઈપણ IAS અધિકારી દેખાતા નથી. શીખ તખ્તો તેમના જથેદારો દ્વારા સ્વ-શાસિત રહે છે. પાલીતાણા અને પારસનાથની જૈન પવિત્ર ટેકરીઓ મહાન સુધર્મા સ્વામી સુધીના અનુગામી વંશાવળી સાથે આધ્યાત્મિક શાસન હેઠળ સંચાલિત છે. તિરુવનંતપુરમનું પદ્મનાભસ્વામી મંદિર રાજવી પરિવાર દ્વારા દેવતા વતી સેવક અને રક્ષક તરીકે સંચાલિત હતું. બૌદ્ધ સંઘ તેના વિનય કોડ હેઠળ કાર્યરત હતો. આમાંની દરેક સંસ્થા એક સ્વ-સંચાલિત, સ્વ-ટકાઉ વ્યવસ્થા હતી અને છે, જે કોઈ ભૌતિક સ્ત્રોતમાંથી નહીં પણ શાસ્ત્રોક્ત આદેશ, આધ્યાત્મિક ઉત્તરાધિકાર અને લાખો લોકોની સ્વૈચ્છિક નિષ્ઠામાંથી અધિકાર મેળવે છે. પ્રશ્ન એ નથી કે તેઓએ સારું શાસન કર્યું કે નહીં. પ્રશ્ન એ છે કે શું આ સંસ્થાઓમાંથી રાજ્યને ક્યારેય કોઈ સત્તા હસ્તાંતરિત કરવામાં આવી હતી?

કોઈપણ લોકશાહી રાષ્ટ્ર કેથોલિક શાસનનું પુનર્ગઠન કરવાનો, કેથોલિક કેનન કાયદાને ફરીથી લખવાનો અથવા ચર્ચની મિલકતોનું સંચાલન કરવા માટે અમલદારોની નિમણૂક કરવાનો અધિકાર ધરાવતું નથી. વેટિકનની સંસ્થાકીય સ્વાયત્તતા વૈશ્વિક સ્તરે માન્ય છે — એટલા માટે નહીં કે કેથોલિક ધર્મ અન્ય ધર્મો કરતા વધુ કાયદેસર છે, પરંતુ એટલા માટે કે એક સ્પષ્ટ સિદ્ધાંતનો આદર કરવામાં આવી રહ્યો છે: ધર્મનું આંતરિક શાસન એ રાજ્યનું ક્ષેત્ર નથી. મોટાભાગના ભારતીય ધર્મો વેટિકન કરતાં સદીઓ જૂના છે. તેમની શાસ્ત્રીય સંહિતાઓ યુરોપિયન બંધારણીય વિચારધારા કરતાં લગભગ બે હજાર વર્ષ જૂની છે. તો પ્રશ્ન એ છે કે, શા માટે એક ધર્મ પર લાગુ કરવામાં આવેલી સંસ્થાકીય ધાર્મિક સ્વાયત્તતા કેમ વાજબી ગણાવવામાં આવે છે અને અન્ય ધર્મોની બાબતમાં તે કેમ અદ્રશ્ય થઈ જાય છે?

થોડા નજીકના ભૂતકાળની વાત કરીએ: 1215માં મેગ્ના કાર્ટાની પ્રથમ કલમમાં જ જાહેર કરવામાં આવ્યું હતું કે અંગ્રેજી ચર્ચ સ્વતંત્ર રહેશે અને તેના અધિકારો અકબંધ રહેશે. જ્યાં બ્રિટિશ તાજ ઔપચારિક રીતે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના સર્વોચ્ચ ગવર્નર છે અને 26 બિશપ્સ હાઉસ ઓફ લોર્ડ્સમાં બેસે છે, ત્યાં પણ સરકાર ચર્ચોનું નિયમન કરતી નથી. ભારતની સંસદમાં આધ્યાત્મિક પ્રતિનિધિત્વ શૂન્ય છે. એક પણ આચાર્ય નહીં. એક પણ જથેદાર નહીં. તેમ છતાં રાજ્ય મંદિરોની માલિકી ધરાવે છે અને તેનો વહીવટ કરે છે, એન્ડોમેન્ટ્સનું સંચાલન અને નિયંત્રણ કરે છે અને ધાર્મિક પ્રથાઓ પર નિર્ણય આપે છે. મધ્યકાલીન ઈંગ્લેન્ડે આઠ સદી પહેલાં તેના ધર્મ માટે જે માન્યતા આપી હતી, તે આધુનિક લોકશાહી ભારતે તેના પોતાના ધર્મો માટે માન્ય રાખી નથી. આ જ સંસ્થાનવાદી – સામ્રાજ્યાવાદી અવશેષ છે.

આપણે સાર્વભૌમત્વની કટોકટીના યુગમાં જીવી રહ્યા છીએ. મોટાં કોર્પોરેશનો (કંપનીઓ) સરહદો પાર કાર્ય કરે છે તેમ ટેક્સ સાર્વભૌમત્વ અદૃશ્ય થઈ રહ્યું છે. ડેટા સાર્વભૌમત્વ સામે પડકાર છે કારણ કે સરકારો ટેક દિગ્ગજો સામે ઝઝૂમી રહી છે. AI સાર્વભૌમત્વ એ સુનિશ્ચિત કરવાની રેસ છે કે રાજ્યો એવા એલ્ગોરિધમ્સ દ્વારા શાસિત ન થાય જે તેમણે બનાવ્યા નથી. વિકેન્દ્રિત ડિજિટલ કરન્સીના ઉદય દ્વારા ચલણ સાર્વભૌમત્વને પડકારવામાં આવે છે. વેપાર સાર્વભૌમત્વ GATT અને WTOની જવાબદારીઓ દ્વારા મર્યાદિત છે. આમાંના દરેક ક્ષેત્રમાં, રાજ્ય પાસે એક સમયે સત્તા હતી અને હવે તે બાહ્ય પરિબળો સામે તેને જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. પરંતુ આધ્યાત્મિક સાર્વભૌમત્વ માટે બરાબર તેનાથી ઊલટ સ્થિતિ છે: અહીં, રાજ્ય પાસે ક્યારેય સત્તા હતી જ નહીં — અને છતાં તેણે તે સ્વીકારી લીધી. મૌન રીતે. ક્રમશઃ. કોઈપણ ટ્રાન્સફરના દસ્તાવેજ વગર.

ભારતના રાષ્ટ્રીય આર્કાઈવ્ઝની ફાઈલ નંબર 50/VII/33-Poll માં એક એવો દસ્તાવેજ છે જે બંધારણીય સમન્સ જેવો લાગે છે જેની બજવણી તો થઈ પણ ક્યારેય જવાબ આપવામાં આવ્યો નથી. પુષ્પગિરી પીઠમના જગદગુરુ શ્રી શંકરાચાર્ય સ્વામીએ એક એવી દલીલ રજૂ કરી હતી જેને કોઈપણ ભારતીય ન્યાયશાસ્ત્રીએ ક્યારેય નકારી નથી: કે ભારતીય ધારાગૃહ પ્રાચીન ધર્મોને લગતી બાબતો પર કાયદો ઘડવા માટે અસમર્થ છે, કારણ કે તેના સભ્યો કેવળ બિનસાંપ્રદાયિક લાયકાતના આધારે ચૂંટાય છે અને કોઈપણ માન્ય ધાર્મિક સંસ્થા દ્વારા કોઈ સભ્યને નામાંકિત કરવામાં આવ્યા નથી જેમની પાસે ધર્મની બાબતોનું અધિકૃત જ્ઞાન હોય. કોઈ ધાર્મિક વડાએ આ ચૂંટાયેલા સભ્યોને નામાંકિત કર્યા નથી. કોઈપણ સંપ્રદાયે તેની આધ્યાત્મિક સત્તા હસ્તાંતરિત કરી નથી. તેમ છતાં ધારાગૃહ અને અદાલતો એવાં શાસ્ત્રો પર સત્તાનો ઉપયોગ કરે છે જેનો તેમણે ક્યારેય અભ્યાસ કર્યો નથી, અને જેની પરંપરાનો તેઓ ભાગ નથી.

આગામી સપ્તાહે નવ ન્યાયાધીશોની બેન્ચ સુનાવણી શરૂ કરશે ત્યારે તેની સમક્ષ જે પ્રશ્નો છે તે નિર્વિવાદ રીતે મહત્વના છે. પરંતુ તે બધા પ્રશ્નોમાં એક એવી પૂર્વધારણા નિહિત છે જે ક્યારેય સ્થાપિત થઈ નથી; અને તે એ કે રાજ્ય આ બાબતો પર અધિકારક્ષેત્ર ધરાવે છે. અમને હસ્તાંતરણનો દસ્તાવેજ (instrument of transfer) બતાવો. જ્યાં સુધી તે બતાવવામાં ન આવે ત્યાં સુધી, રાજ્ય દ્વારા નિયુક્ત કરવામાં આવેલી દરેક મંદિર સમિતિ, દરેક અમલદાર જે ધાર્મિક એન્ડોમેન્ટનું સંચાલન કરે છે, દરેક અદાલત જે શ્રદ્ધા માટે શું “આવશ્યક” છે તે નક્કી કરે છે- એ બધા વાસ્તવમાં એવા અધિકારક્ષેત્રનો ઉપયોગ કરે છે જે તેમને ક્યારેય આપવામાં આવ્યું જ નહોતું.

એકવાર ભારત આ સામ્રાજ્યવાદી ગુંચવણમાંથી મુક્ત થશે અને રાજ્ય આધ્યાત્મિક બાબતોમાં દખલ કરવાનું બંધ કરશે ત્યારે તેની આધ્યાત્મિક શક્તિ ખીલી ઊઠશે. ભારતના ધર્મો તેના પ્રજાસત્તાક કરતાં હજારો વર્ષ જૂના છે. તેમણે જ સભ્યતાના પાયા ઘડ્યા છે અને આ ભૂમિ પર ક્યારેક આધિપત્ય જમાવનાર દરેક વંશ કરતા વધુ સમય સુધી ટકી રહ્યા છે. આધ્યાત્મિક સાર્વભૌમ ભૌતિક સાર્વભૌમ પાસે એવી કોઈ બાબતની માંગણી નથી કરી રહ્યા જે છીનવી લેવામાં આવી હતી. તેઓ એવી બાબતની માન્યતા માંગી રહ્યા છે જે ક્યારેય સોંપવામાં આવી ન હતી.

(પરમ પૂજ્ય આધ્યાત્મિક સાર્વભૌમ જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી એક વરિષ્ઠ જૈન ધાર્મિક વડા અને તીર્થંકર મહાવીરના 79 મા અનુગામી છે. તેઓ ભારતીય ધર્મોના બંધારણીય અધિકારો પર ભારતના મુખ્ય ન્યાયાધીશને લખેલા ખુલ્લા પત્રના લેખક છે. તેઓ “વસુધૈવ કુટુંબકમ કી ઓર” નામના ચાર કોન્ક્લેવનું પણ આયોજન કરી ચૂક્યા છે જ્યાં વિવિધ રાજદ્વારીઓ, નિવૃત્ત ન્યાયાધીશો અને અન્ય કાયદાકીય દિગ્ગજોએ રાષ્ટ્રીય મહત્ત્વના વિવિધ કાયદાકીય અને ભૌગોલિક રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code