Site icon Revoi.in

જુના ડીસામાં ઓવરલોડ ડમ્પરો અને ગેરકાયદે ખનન સામે ગ્રામ પંચાયતે કલેકટરને કરી રજુઆત

Social Share

ડીસા, 30 ડિસેમ્બર 2025: Representation to the Collector against overloaded dumpers and illegal mining in Juna Deesa જિલ્લામાં ગેરકાયદે ખનન બેરોકટોક વધતું જાય છે. ત્યારે જુના ડીસા ગ્રામ પંચાયતે ગેરકાયદે ખનન અને પૂરફાટ ઝડપે દોડતા ઓવરલોડ ડમ્પરો સામે મોરચો માંડ્યો છે. ગામના આગોવાનોએ જિલ્લા કલેકટર અને પોલીસ અધિકારીને રજુઆત કરીને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનોએ આંદોલનની ચીમકી પણ આપી છે.

જુનાડીસા ગામમાં ખનન માફિયાઓના વધતા ત્રાસ સામે જુનાડીસા ગ્રામ પંચાયત દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જુનાડીસા ગ્રામ પંચાયતના સભ્યોને સાથે રાખી સરપંચ અમૃતભાઈ જે. પુનડીયા દ્વારા ગ્રામ્ય મામલતદાર, ડીસા કલેક્ટર તથા તાલુકા પીઆઈને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં ગ્રામજનોએ જુનાડીસાથી શાંતિધામ તરફ જતા એપ્રોચ રોડ તેમજ રાજપુર તરફના રોડ પરથી ખનન વાહનોની અવરજવર બંધ કરાવવા માંગ કરી છે.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ખનન પ્રવૃત્તિઓના કારણે માર્ગો નુકસાનગ્રસ્ત બન્યા છે, તેમજ ગામની શાંતિ અને સલામતી પર અસર પડી રહી છે સાથે જ ગઈકાલે ડમ્પર ચાલક દ્વારા એક બાળકને ઇજા પહોંચાડેલ છે. ત્યારે બેફામ દોડતા ડમ્પરચાલકો સામે કડક પગલાં લેવાની માગ કરવામાં આવી છે. જુનાડીસાથી સિદ્ધેશ્વરી માતાના મંદિરનો રોડ શ્રદ્ધાળુઓ માટે બનાવેલો છે પરંતુ હાલમાં આ રોડ ડમ્પરોની અવર-જવરથી જોખમી બન્યો છે. જેના લીધે નિર્દોષ લોકો આનો ભોગ ના બને એ હેતુસર ગામ હિતમાં લાગતા વળગતા અધિકારીઓને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે કરતા પગલાં લઈ ઓવરલોડ ડમ્પરો બંધ કરાવવા માંગણી પણ કરાઇ છે. આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગામના હિતમાં ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલન કરવા અને ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

Exit mobile version