Site icon Revoi.in

શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીથી મુક્તિ આપવા માટે શૈક્ષિક મહાસંઘ દ્વારા પંચને રજુઆત

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકોને શિક્ષણ સિવાયની બિન શૈક્ષણિક કામગીરી સોંપવામાં આવતી હોવાથી છેલ્લા ઘણા સમયથી શિક્ષકોમાં અસંતોષ ઊભો થયો છે. સરકાર દ્વારા શિક્ષકોને વસ્તી ગણતરી, મતદાર યાદી સુધારણા, વીઆઈપી અને વીવીઆઈપીની સરભરા, ખેતરોમાં જઈને તીડ ઉડાડવા, ગ્રામ્ય વિસ્તારમાં જઈને શૌચાલય ગણતરી, કીટ વિતરણ તેમજ જુદી જુદી આરોગ્ય લક્ષી કામગીરી સહિત 100થી વધુ પ્રકારની કામગીરી સોંપવામાં આવે છે. આથી વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય માટે શિક્ષકો સમય આપી શકતા નથી. આ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાત વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ હસમુખભાઈ અઢિયા સમક્ષ રજૂઆત કરીને શિક્ષકોને બિન શૈક્ષણિક કાર્યમાંથી મુક્તિ આપવા માગ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગખંડ શિક્ષણ ગુણવત્તા યુક્ત બને તે માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાત વહીવટી સુધારણા પંચને રજૂઆત કરી શિક્ષકોને બિન શૈક્ષણિક કાર્યમાંથી મુક્તિ આપવા માગ કરી હતી. શિક્ષકોને વસ્તી ગણતરી મતદાર યાદી સુધારણા, વીઆઈપી અને વીવીઆઈપીની સરભરા, તીડ ઉડાડવા, શૌચાલય ગણતરી, કીટ વિતરણ, તેમજ જુદી જુદી આરોગ્ય લક્ષી કામગીરીમાં ડ્યુટી સહિત 100થી વધુ પ્રકારની કામગીરીમાં ફરજ સોંપવામાં આવે છે વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય માટે શિક્ષકો સમય આપી શકતા નથી.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા  જણાવાયું છે કે ફક્ત ચૂંટણીની કામગીરી સિવાય તથા અત્યંત વિકટ કુદરતી હોનારત સિવાયની કામગીરીમાં અગ્ર સચિવે સૂચના આપી આવા ઓર્ડર શિક્ષકો માટે ન કરવામાં આવે તેવી વહીવટી સુધારણા કરવા અનુરોધ કરાયો છે. બીએલઓની કામગીરી માટે પણ શિક્ષકો સિવાયની અલગ એક કેડર બનાવવી જરૂરી છે કારણ કે અગાઉ વર્ષમાં 10-12 દિવસ કામગીરી હતી જ્યારે હવે તો આખું વર્ષ આ કામગીરી શરૂ રહે છે.

આ ઉપરાંત જિલ્લા અને તાલુકાની કચેરીઓમાં શિક્ષકો પાસેથી ક્લાર્કનું કામ પણ લેવામાં આવે છે. જેથી વર્ગમાં શિક્ષકો શિક્ષણ કાર્ય પ્રત્યે ધ્યાન આપી શકતા નથી. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને શિક્ષણાધિકારી કચેરીમાં તાત્કાલિક ભરતી કરી ક્લાર્ક ફાળવણી કરવી જરૂરી છે.

આ ઉપરાંત વિવિધ પ્રકારની એપ્લિકેશન પર કામ રહે છે અને ઓનલાઇન કામગીરીનું પણ ભારણ પણ શિક્ષકો પર લાદવામાં આવે છે. શિક્ષકોને ઓનલાઇન હાજરી, ડેટા એન્ટ્રી, સીઈટી પરીક્ષાના ફોર્મ, નવોદય પરીક્ષા ફોર્મ, પ્રાથમિક ચિત્રકામ પરીક્ષાના ફોર્મ, રેશનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવા, બેંક એકાઉન્ટ ખોલવા, ફ્લડ કંટ્રોલ રૂમ જુદી જુદી પ્રવૃત્તિમાં ફોટા અપલોડ કરવા, ડિજિટલ ગુજરાત ઉપર શિષ્યવૃત્તિની કામગીરી, લઘુમતી શિષ્યવૃત્તિ, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, સ્કોલરશીપ સિવાયના ઘણા બધા કામ જુદા જુદા પ્લેટફોર્મથી અલગ અલગ રીતે કરવા પડે છે. તેમાં એકની એક માહિતી રિપીટ થતી હોય છે જેમાં ઘણો મોટો સમય વ્યતીત થાય છે. ગુણોત્સવ બોર્ડના ફોર્મ ભરવા જેવી અન્ય માહિતી માટે પણ જરૂરી પ્લેટફોર્મ વિકસાવવા જોઈએ. આ માટે ખરેખર તો એક ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવું જોઈએ જેથી સમયનો બચાવ થાય તેમ પણ સૂચન કરવામાં આવ્યું છે.