Site icon Revoi.in

વંદે માતરમ ગાનના 150 વર્ષની ઊજવણીનો સંકલ્પ ગુજરાત વિધાનસભામાં લેવાયો

Social Share

ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વંદે માતરમ ગાનના 150 વર્ષની ઉજવણીના ગૌરવ અવસરને વધાવવાનો સંકલ્પ ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રસ્તુત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં જે ગીતની રચનાના 150 વર્ષની ઉજવણી થઈ રહી છે તે વંદે માતરમની દરેક પંક્તિમાં ભારત માતાનું અર્થપૂર્ણ ભક્તિ ગાન છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વંદે માતરમ ગીતની તાકાત જ એટલી છે કે, ભલે તે ગુલામીના કાલખંડમાં રચાયું હોય પરંતુ તેનો અર્થ અને શબ્દો ગુલામીની છાયાં સુધી મર્યાદિત નથી રહ્યા આજે પણ એટલાં જ સુસંગત અને પ્રસ્તુત છે કે, આ વંદે માતરમ ગીત ક્યારેય અપ્રાસંગિક નહિ થાય.

આઝાદીની ચળવળને વેગ આપવાનું કારણ બનેલું વંદે માતરમ હવે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ અમૃતકાળમાં એ જ જોમ અને જુસ્સાથી વિકસિત ભારત – આત્મનિર્ભર ભારત માટે નવું પ્રેરણા બળ બની રહેશે તેમ તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, 1875માં બંકિમ ચંદ્ર ચટોપાધ્યાયજીએ વંદે માતરમની રચના કરીને રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રચેતના સાથે સ્વતંત્રતાનો માર્ગ કંડાર્યો હતો અને જનજનમાં એવો વિશ્વાસ જગાવ્યો હતો કે, એવો કોઈ સંકલ્પ નથી જે પૂરો ન થઈ શકે, એવું કોઈ લક્ષ્ય નથી કે આપણે પ્રાપ્ત ન કરી શકીએ.

તેમણે ઉમેર્યુ કે, દરેક ગીતનો પોતાનો એક મૂળભાવ અને મુખ્ય સંદેશ હોય છે. આ વંદે માતરમનો વિષય ભારત માતા છે. માં ભારતીની ગુલામીના બંધનો તૂટશે અને તેના બાળકો જ તેના ભાગ્ય વિધાતા બનશે એવી કલ્પનાથી માં ભારતીની વંદના આ ગીતમાં થઈ છે. એટલું જ નહિ, મૂળ સભ્યતા, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સ્વતંત્રતાના રક્ષણની પ્રેરણા માટે રચાયેલા આ ગીતથી હચમચી ગયેલી તત્કાલિન બ્રિટીશ સરકારે વંદે માતરમ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ વંદે માતરમ ગીતની રચનાના 150 વર્ષની દેશવ્યાપી ઉજવણીથી દેશના મહાન નાયકોનું પૂણ્ય સ્મરણ અને ભારત માતાની વંદના કરવાનો આપણને પુન: અવસર આપ્યો છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

Exit mobile version