
અમદાવાદઃ રાજ્યમાં ઉમેદવારો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પીએસઆઈની ભરતી માટેની પ્રીલિમરી પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. 6 માર્ચના રોજ યોજાયેલી પ્રીલિમિનરી પરીક્ષામાં અંદાજે 96 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 4311 જેટલા ઉમેદવારોને સિલેક્ટ કરાયા છે. પીએસઆઈની ભરતી માટેની પ્રીલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ ગણતરીની મિનિટોમાં https://પીએસઆઈrbgujarat2021.in/ વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ પીએસઆઈની ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાય અંગત કારણોથી 15 દિવસની રજા પર હતા. જેના કારણે પીએસઆઈની ભરતીનું પરિણામ જાહેર કરવામાં મોડું થયું હતું. રજા પરથી બે દિવસ પહેલા ફરજ પર હાજર થયા હતા. તેમણે ટ્વીટ કરીને 72 કલાકમાં પરિણામ જાહેર કરવા અંગે જાણ કરી હતી. પીએસઆઈની 1375 જગ્યા માટે 96 જેટલા ઉમેદવારોએ પ્રીલિમિનરી પરીક્ષા આપી હતી. જેમાંથી વેઈટિંગ લિસ્ટ સાથે હવે 4311 જેટલા ઉમેદવારો પાસ થયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પીએસઆઈમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. ઘણા એવા ઉમેદવારો છે કે તેમને એલઆરડી અને પીએસઆઈ બન્ને ભરતી માટે ફોર્મ ભરીને ઉમેદવારી કરી હતી. જે ઉમેદવોરો પીએસઆઈની ભરતીમાં સિલેક્ટ થયા છે. તેટલી જગ્યા એલઆરડીમાં વધશે. કારણ કે, પીએસઆઈની પરીક્ષામાં ઉતિર્ણ થયેલા ઉમેદવારો હવે એલઆરડીની જોબ નહીં સ્વીકારે. એટલે તેટલી જગ્યા પર અન્ય ઉમેદવોરોને ચાન્સ મળી શકશે.