1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્ર-કચ્છ, અને ઉત્તર ગુજરાતના ખાલી જળાશયોમાં નર્મદાના નીર ઠલવાશે,
સૌરાષ્ટ્ર-કચ્છ, અને ઉત્તર ગુજરાતના ખાલી જળાશયોમાં નર્મદાના નીર ઠલવાશે,

સૌરાષ્ટ્ર-કચ્છ, અને ઉત્તર ગુજરાતના ખાલી જળાશયોમાં નર્મદાના નીર ઠલવાશે,

0
Social Share

ગાંધીનગરઃ  ઉનાળામાં તાપમાન વધવાની સાથે પીવાના પાણીના પણ સમસ્યા ઊભી થઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની સ્થિતિ વિકટ બની છે. પાણીના તળ પર 1000 ફૂટ્સથી વધુ ઊંડા ઊતર્યા છે. મોટાભાગના જળાશયો ખાલીખમ છે. જો જળાશયોમાં નર્મદાના નીર ઠાલવવામાં આવે તો પાણીના તળ ઊંચા આવે અને પીવાના પાણીની સમસ્યા હલ થઈ શકે. આથી સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના જળાશયોમાં નર્મદાના નીર ઠાલવવા માટે માગ ઊભી થઈ હતી. ત્યારે સરકારે સૌરાષ્ટ્ર-કચ્છ, તથા ઉત્તર ગુજરાતના જળાશયોમાં નર્મદાના નીર ઠાલવવાનો નિર્ણય લીધો છે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ખેડૂતો માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. તે ઉપરાંત ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાના પાણીની તકલીફ ના પડે તેમજ ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહે તે માટે પણ નિર્ણયો લેવાયાં હતાં. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તેમજ મૂંગા અબોલ પશુઓને પણ ઘાસચારો તેમજ પાણી ઉપલબ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે 2075 MLD નર્મદાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બ્રાહ્મણી-2 જળાશયમાં પાણીનું લેવલ ઘટતા, તેમાંથી પાણીનો ઉપાડ 180 MLDથી ઘટીને 10 થી 15 MLD થયો છે. જેના માટે રાજ્ય સરકારે બ્રાહ્મણી-2 જળાશયને નર્મદાના પાણીથી ભરવાનો નિર્ણય કર્યો છે. આ માટે 25 એપ્રિલ-2022થી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના થકી બ્રાહ્મણી-૨ જળાશય ભરવામાં આવશે. એ જ રીતે કચ્છ જિલ્લા માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત એવા ટપ્પર જળાશયમાં પણ જરૂરિયાત જણાયે આગામી સમયમાં કચ્છ શાખા નહેર દ્વારા નર્મદાના પાણીથી ભરવાનું આયોજન છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતીવાડા જળાશયને પણ નર્મદા મુખ્ય નહેર ઉપરના ચાંગા પામ્પિંગ સ્ટેશનથી ભરવા માટેનું આયોજન કરાયું છે. સીપુ જળાશય આધારિત ગામોને દાંતીવાડા જળાશય આધારિત યોજના સાથે જોડી દેવામાં આવી છે. આમ, દાંતીવાડા જળાશય ભરાતા સીપુ જળાશય આધારિત ગામોમાં પૂરતું પાણી મળી રહેશે. પીવાના પાણી સંદર્ભે જે પણ ફરિયાદો આવે તેનું અત્યંત સંવેદના સાથે નિરાકરણ કરવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે. ગ્રામ્યકક્ષાએ પાણી સમિતિ વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ સાથે સંકલન કરીને કામગીરી કરાશે.

તેમણે ઉમેર્યું હતું કે, મુંગા પશુઓને પણ પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે એ માટે મહેસૂલ વિભાગ દ્વારા પૂરતું આયોજન કરાયું છે કચ્છ જિલ્લાના લખપત અને ભુજ તાલુકામાં ઘાસચારાની માંગણી આવી છે એ સંદર્ભે પુરતી વ્યવસ્થાઓ કરી છે તેમજ અન્ય જગ્યાએ જેમ જેમ માંગણી આવશે તેમ-તેમ ઘાસચારો પૂરો પાડવામાં આવશે.રાજ્યમાં જળસંગ્રહ થાય એ માટે પ્રતિ વર્ષ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો અને જળાશયો ઊંડા કરવા સહિત કેનાલ સફાઈના કામો હાથ ધરાઇ રહ્યા છે. આ વર્ષે પણ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ 18700 જેટલા કામો હાથ ધરાયા છે તે તમામ કામો આગામી 31 મે સુધી પૂર્ણ કરવા સૂચના આપી દેવાઇ છે.

વાઘાણીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને સહાયરૂપ થવા માટે કિલો દીઠ રૂ. બેની સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં 1 એપ્રિલ-2022 થી તા. 30 એપ્રિલ 2022 સુધીમાં અંદાજે 45 લાખ કટ્ટા વેચાણ માટે APMC ખાતે આવવાની સંભાવના છે. ત્યારે 2250 લાખ કિલોના રૂપિયા બે લેખે 45 કરોડ જેટલી સહાય ચૂકવાશે. રાજ્યના ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે મુખ્યમંત્રીએ 500 કરોડના રિવોલ્વીંગ ફંડ ઉપરાંત વધારાનું 135 કરોડનું રિવોલ્વીંગ ફંડ ઉમેરાશે. જેમાં સમયસર ધિરાણ પરત ભરપાઈ કરતા ખેડૂતોને 3 લાખ સુધીનું પાક ધિરાણ વિના વ્યાજે આપવામાં આવે છે. (file photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code