Site icon Revoi.in

એરફોર્સના નિવૃત અધિકારી સાયબર ફ્રોડનો ભોગ બન્યા, બેન્કમાંથી 2.81 લાખ ટ્રાન્સફર થયા

Social Share

અમદાવાદઃ શહેરમાં સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે. કોઈપણ ઓટીપી કે બેન્કમાંથી રૂપિયા ઉપડ્યાનો કોઈ મેસેજ વિના જ બેન્કમાંથી રૂપિયા ઉપડી ગયાનો બનાવ બન્યો છે. શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા અને એરફોર્સમાંથી નિવૃત થયેલા 83 વર્ષીય વૃદ્ધ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. વૃદ્ધ એરફોર્સમાંથી નિવૃત થતા પેન્શન આવતુ હતુ. અને પેન્શનની રકમ SBI બેંકના ખાતામાં રાખી હતી. તેમજ એફ.ડી અને અન્ય સેવિંગના રૂપિયા પણ બે અલગ અલગ એકાઉન્ટમાં રાખવામાં આવ્યા હતા. સાયબર ઠગિયાએ વૃદ્ધની જાણ બહાર 2.81 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. વૃદ્ધે જ્યારે મકાનનું વીજ બિલ ભરવા માટે ગુગલ પે પર જતા ખાતામાં બેલેન્સ ના હોવાનું સામે આવ્યું હતું. જેથી વૃદ્ધે સાયબર હેલ્પલાઇન નંબર પર અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત એવી છે કે, 83 વર્ષીય વૃદ્ધ એરફોર્સમાંથી નિવૃત થયા છે, જે પરિવાર સાથે વેજલપુર વિસ્તારમાં રહે છે. એરફોર્સમાંથી નિવૃત્ત થયા હોવાથી પેન્શન મળે છે જે SBI ના બેંક ખાતામાં જમા થતું હોય છે. તેમજ આ સિવાય વૃદ્ધે એફ.ડી અને અન્ય સેવિંગના રૂપિયા અલગ અલગ ખાતામાં રાખ્યા હતા. થોડા દિવસ પહેલા મકાનનું વીજ બિલ આવ્યું હોવાથી ઓનલાઈન ભરવા માટે ગુગલ પે ખોલ્યું હતું. ગૂગલ પેથી બિલની ચૂકવણી કરતા ખાતામાં પૂરતું બેલેન્સ ના હોવાનું નોટિફિકેશન આવ્યું હતું. જેથી વૃદ્ધ ચોંકી ગયા હતા અને દીકરાને બેંક એકાઉન્ટ ચેક કરવા માટે કહ્યું હતું. દીકરાએ બેંક એકાઉન્ટ ચેક કરતા પંજાબ નેશનલ બેંક એકાઉન્ટમાં માત્ર 600 રૂપિયા જ બતાવતા હતા. જે બાદ પંજાબ નેશનલ બેંકનું અન્ય એકાઉન્ટ ચેક કરતા જેમાં 26 હજાર બેલેન્સ બતાવતું હતું. બંને બેંક એકાઉન્ટમાં 3 લાખ જેટલું બેલેન્સ હતું અને અચાનક પૈસા ગાયબ થઈ ગયા હતા. જે બાદ પંજાબ નેશનલ બેંકના ATMમાં મિની સ્ટેટમેન્ટ ચેક કરતા યુપીઆઈ એપથી નાની રકમની જ ચૂકવણી થઈ હોવાનું જોવા મળ્યું હતું. જેથી વૃદ્ધના દીકરાએ ઓનલાઈન નેટ બેન્કિંગથી પંજાબ નેશનલ બેંકના છેલ્લા ત્રણ મહિનાના બંને ખાતાના સ્ટેટમેન્ટ ડાઉનલોડ કર્યા હતા. જેમાં 24 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર સુધીમાં 5 જેટલા ટ્રાન્જેક્શનથી 2.81 લાખ રૂપિયા જેટલી રકમ કપાઈ ગઈ હોવાનું જોવા મળ્યું હતું. તેમજ રૂપિયા ટ્રાન્જેક્શનના કોઈપણ મેસેજ પણ મળ્યા નહોતા. આટલી મોટી રકમ જાણ બહાર ટ્રાન્સફર થઈ જતા વૃદ્ધે સાયબર હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી છે. તેમજ અજાણ્યા સાયબર ગઠિયા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version