- 43 લાખની ઠગાઈની સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ,
- વોટ્સએપ નંબર પર નકલી બેંક કર્મચારી બની નિવૃત કર્મચારીનો સંપર્ક હતો,
- સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
વડોદરાઃ શહેરમાં ભણેલા-ગણેલા લોકો લાલચમાં આવીને ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. ત્યારે વડાદરા શહેરમાં એક નિવૃત કર્મચારીને લાઈફ પોલીસીમાં વધુ લાભની લાલચ આપીને ઠગ ટોળકીએ રૂપિયા 43 લાખ પડાવ્યા હતા. નિવૃત એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે બેંકમાં લાઇફ પોલિસીમાં વધુ બેનિફિટ આપવાની લાલચે રૂપિયા 43 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતા અને જીઇબીમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં નિવૃત જીવન જીવતા આધેડ અજમેરસિંહ રાઠવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓના વોટ્સએપ નંબર પર નકલી બેંક કર્મચારી બની સંપર્ક કરી ખાનગી બેન્કની લાઇફ પોલિસીની માહિતી આપી સારો બેનિફિટ આપવાની લાલચ આપી ઇન્વેસ્ટમેન્ટ રોકવા માટે ફરિયાદીને લલચાવી રૂપિયા 43 લાખથી વધુનો ચૂનો લગાવ્યો છે. ફરિયાદીના કહેવા મુજબ મેં એચડીએફસી લાઇફની પોલિસી વર્ષ 2020માં લીધી હતી, દરમિયાન ગત 24/5/25ના રોજ બેંકમાંથી બોલું છું અને તમારી પોલિસી રી ઇન્વેસમેન્ટ માટે આવી ગઈ છે અને પોલિસી નંબર અને એકાઉન્ટ નંબર આપ્યો હતો. જેથી વિશ્વાસમાં આવી પહેલા 10 હજાર આપવા પડશે બાદમાં રી ઇન્વેસમેન્ટ પોલિસી અમલ થશે તેવું કહેતા તેઓએ 10 હજાર આપ્યા હતા. બાદમાં અલગ અલગ સ્કીમ આપી રી ઇન્વેસમેન્ટ માટે વિશ્વાસમાં લઈ રૂપિયા પડાવ્યા હતા. બાદમાં પોલિસી રી ઇન્વેસમેન્ટના બહાને અલગ અલગ તારીખે 40 લાખથી વધુ રૂપિયા પડાવી વધુ 80 લાખની માંગણી કરતા શક જતા આખરે આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.