1. Home
  2. revoinews
  3. ગુજરાતમાં જમીન મહેસૂલ ક્ષેત્રે રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય
ગુજરાતમાં જમીન મહેસૂલ ક્ષેત્રે રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય

ગુજરાતમાં જમીન મહેસૂલ ક્ષેત્રે રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય

0
Social Share
  • જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ ૧૩૫-Dની જોગવાઈમાં કરાયો સુધારો; ૩૦ દિવસની નોટિસમાંથી નાગરિકોને મુક્તિ મળશે
  • વિવાદ ન હોય તેવા કિસ્સામાં તે જ દિવસે વેચાણની નોંધ પ્રમાણિત કરીને ‘પાકી એન્ટ્રી’ થશે
  • તપાસની જરૂરિયાતવાળા કિસ્સામાં નોટિસનો સમયગાળો ૩૦ દિવસથી ઘટાડીને માત્ર ૭ દિવસ કરાયો
  • મિલકતના સોદામાં બિનજરૂરી વાંધા-વચકામાંથી મુક્તિ મળશે; રેવન્યુ કોર્ટના ૫૦,૦૦૦ જેટલા કેસોનો ઝડપી નિકાલ આવશે

[અલકેશ પટેલ] ગાંધીનગર, 1 એપ્રિલ, 2026  –   રાજ્ય સરકારે મહેસૂલ તંત્રમાં પ્રવર્તતી જટિલતાઓ દૂર કરીને પારદર્શિતા લાવવા તેમજ સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓને દૂર કરવા એક ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંગે માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મહેસૂલી સરળીકરણ માટે “જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯”ની કલમ ૧૩૫-Dની જોગવાઈમાં મહત્ત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારાથી હવે કાયદેસરના જમીન અથવા મિલકતના વ્યવહારોમાં નાગરિકોને ૩૦ દિવસની નોટિસના સમયગાળાની રાહ જોવામાંથી મુક્તિ મળશે.

મંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જમીન કે મિલકતના વેચાણ વ્યવહારોમાં ૩૦ દિવસની ફરજિયાત નોટિસના કારણે સામાન્ય જનતાએ લાંબી રાહ જોવી પડતી હતી. આ સમયગાળાનો ખોટી રીતે ગેરલાભ લેનાર કેટલાક તત્વો ખોટા વાંધા-વચકા ઉઠાવીને વેચનાર કે ખરીદનાર પાસેથી નાણાં પડાવવાનું (બ્લેકમેલિંગ) કામ કરતા હતા. મુખ્યમંત્રીએ આ જટિલતાને સમજીને ખેડૂતો અને મધ્યમ વર્ગના હિતમાં ૧૩૫-Dની ૩૦ દિવસની નોટિસની અનિવાર્યતામાંથી મુક્તિ આપવાનો સાહસિક નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ “સ્વતંત્રતા સંગ્રામમાં કોઈપણ ગુજરાતી નહોતા”: ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાના નિવેદનથી વિવાદ

મંત્રીએ કહ્યું હતું કે, નવા સુધારા પ્રમાણે, રેકોર્ડ પર જમીનમાં છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ફેરફાર નોંધ ન હોય, જમીન પર કોઈ લિટીગેશન કે દાવો પડતર ન હોય અને શાંત કબજો હોય તેમજ ૭/૧૨ના રેકોર્ડ પર દેખાતા તમામ હકદારોએ વેચાણ દસ્તાવેજમાં સહી કરી હોય તેવા વ્યવહારોમાં ૧૩૫-Dની નોટિસ વગર, તે જ દિવસે વેચાણ દસ્તાવેજની નોંધ પાડવામાં આવશે. આવા કિસ્સાઓમાં ૧૩૫Dની નોટિસ બજવવાની પ્રક્રિયા સિવાય સીધી નોંધનો નિર્ણય લેવામાં આવશે અને વેચાણની નોંધ તુરંત પ્રમાણિત કરીને ‘પાકી એન્ટ્રી’ કરવામાં આવશે.

આ ઉપરાંત સક્ષમ અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા હુકમોની નોંધ વખતે પણ હવે ૧૩૫Dની નોટીસ બજવવાની રહેશે નહીં, તેની સીધી જ અમલવારી કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

જો એક વર્ષની અંદર રેકોર્ડમાં કોઈ ફેરફાર થયો હોય, વેચાણ પાવર ઓફ એટર્ની (PoA) દ્વારા કરવામાં આવ્યું હોય, ૭/૧૨માં દેખાતા તમામ વ્યક્તિઓની દસ્તાવેજમાં સહી ન હોય અથવા કોઈ કેસ પેન્ડિંગ હોય તેવા તપાસની જરૂરિયાતવાળા કિસ્સામાં નોટિસનો સમયગાળો ૩૦ દિવસથી ઘટાડીને માત્ર ૭ દિવસ કરવામાં આવ્યો છે. આ ૭ દિવસમાં સાચા હકદારો પોતાના આધાર-પુરાવા રજૂ કરી શકશે, જેથી કોઈને અન્યાય ન થાય. આ સુધારાઓથી રાજ્યના ખેડૂતો, મિલકત ખરીદનારાઓ અને સામાન્ય જનતાને બિનજરૂરી કાયદાકીય ગૂંચવણ અને વિલંબમાંથી કાયમી મુક્તિ મળશે. સાથે જ, સીધી લીટીના વારસદારો વચ્ચે થતી તબદીલીમાં પણ હવે બિનજરૂરી હેરાનગતિ બંધ થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્રથામિક શાળાઓ માટે 11000 વિદ્યાસહાયકોની ભરતી કરાશે

રાજ્ય સરકારના આ ક્રાંતિકારી નિર્ણય અનુસાર, આ સુધારો માત્ર ખેતીની જમીન માટે જ નહીં, પરંતુ દુકાન, ફ્લેટ અને રહેણાંકના મકાનો લેતી સામાન્ય જનતા માટે પણ આશીર્વાદરૂપ છે. સીધી લીટીના વારસદારોના વ્યવહારોમાં પણ હવે સરળતા રહેશે. રેવન્યુ કોર્ટમાં મામલતદારથી લઈને SSRD સુધી ચાલતા કેસો, જે માત્ર ૧૩૫Dના વાંધાને લીધે વિલંબમાં હતા, તેનો ઝડપથી નિકાલ આવશે. ભવિષ્યમાં તકરારી કેસો ખૂબ ઘટશે અને સૌથી મહત્ત્વપૂર્ણ મિલકતના ભાવ વધતા કેટલાક લોકો જૂના બાનાખત-કાચી ચિઠ્ઠીના આધારે ખોટા વાંધા ઉઠાવીને રકમ પડાવતા હતા, તે બ્લેકમેલિંગ પણ હવે બંધ થશે. પરિણામે ખરીદનાર અને વેચનાર હવે કોઈપણ ડર વગર નિર્ભય થઈને વ્યવહાર કરી શકશે.

મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય મહેસૂલી પ્રક્રિયાને વધુ પારદર્શક, સમયબદ્ધ અને અસરકારક બનાવશે, જેનો સીધો લાભ રાજ્યના લાખો નાગરિકોને મળશે.

—————–

શું થશે ફેરફાર, વિગતવાર સમજો

જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ – ૧૩૫D ની જોગવાઇ  પરત્વે ફેરફારો અંગે

પ્રસ્તાવના

  • રાજ્ય સરકાર દ્વારા પારદર્શિતા, જન ભાગીદારી આધારિત શાસન અને સુચિત નિર્ણય પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ-૧૩૫D પરત્વે, વેચાણની નોંધ મંજૂર કરવાના કિસ્સાઓમાં કેટલાક નીતિગત ફેરફારો પર વિચારણા કરવામાં આવી છે.
  • કોઇ જમીન અથવા મિલ્કત સંદર્ભે કોઇના પક્ષે વેચાણ કે હિતસબંધ સર્જાયેલો હોય, તો તે બાબતની નોંધ રેકર્ડ પર યોગ્ય સમયમર્યાદામાં તથા તાત્કાલિક થાય તે સુનિશ્ચિત કરવાની મુખ્ય જવાબદારી વેચાણ લેનાર (Buyer) પર રહેલી હોય છે. હાલની વ્યવસ્થામાં કલમ-૧૩૫D હેઠળની નોટિસ પ્રક્રિયાના કારણે અનેક વખત અનાવશ્યક અને વ્યર્થ તકરારો ઉદ્ભવે છે, જેના પરિણામે વાસ્તવિક રીતે રેકર્ડ પર હકદાર વેચનાર તથા વેચાણ રાખનારને બિનજરૂરી વિલંબ, તકલીફ અને અડચણોનો સામનો કરવો પડે છે.
  • આવા અનાવશ્યક વિવાદોને ઘટાડવા તથા રેકર્ડ નોંધ પ્રક્રિયાને વધુ પારદર્શક, સમયબદ્ધ અને અસરકારક બનાવવા હેતુસર કલમ- ૧૩૫D માં કેટલાક સુધારા પ્રસ્તાવિત કરવામાં આવે છે.

સુધારા

  • રેકર્ડ પર ૧(એક) વર્ષથી અથવા વધુ સમયથી કોઇ ફેરફાર નોંધ ન હોય (સરકારની પ્રમોલગેશન, KJP વગેરે સિવાયની) અને ૭/૧૨ પર દેખાતા તમામ વ્યક્તિઓએ વેચાણ દસ્તાવેજમાં પણ હસ્તાક્ષર કરેલા હોય અને જો કોઇ કેસ પેન્ડિંગ ન હોય તો તે જ દિવસે વેચાણ દસ્તાવેજની નોંધ પાડવાની રહે અને કલમ- ૧૩૫D ની નોટિસની પ્રક્રિયા સિવાય સીધી નોંધ નિર્ણય કરવાની રહેશે.
  • સક્ષમ સત્તાધિકારી કોર્ટ/ટ્રીબ્યુનલના હુકમની નોંધ તે જ સમયે કરવાની રહેશે અને તે અંગે કલમ- ૧૩૫D ની નોટિસ બજાવવાની રહેશે નહિ.
  • ૧(એક) વર્ષની અંદર રેકર્ડમાં ફેરફાર થયેલા હોય / પાવર ઓફ એટર્ની થકી વેચાણ હોય / ૭/૧૨ પર દેખાતા તમામ વ્યક્તિઓની વેચાણ દસ્તાવેજમાં સહી ન હોય અથવા દસ્તાવેજની તારીખે કોઇ કેસ પેન્ડીંગ હોય તો ૭ (સાત) દિવસની નોટિસ આપવાની રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code