
ગુજરાતમાં 15મી નવેમ્બરથી 36 કલાક સુધી રિક્ષાના પૈડાં થંભી જશેઃ રિક્ષા ચાલકો હડતાળ ઉપર ઉતરશે
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ રૂ. 100ને પણ પાર થઈ જતા વાહન ચાલકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન સીએનજીમાં પણ ભાવ વધારો થયો છે. જેથી રિક્ષા ચાલકોએ ભાડાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. રિક્ષા ભાવમાં ઘટાડો કરવાની માંગ સાથે અમદાવાદ સહિત રાજ્યના ઓટો રિક્ષા ડ્રાઈવરના સંગઠનોના આગેવાનોની બેઠક યોજાઈ હતી. તેમજ જો ભાડામાં વધારો કરવામાં નહીં આવે તો હડતાળ ઉપર ઉતરવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદ સહિત રાજ્યભરના રિક્ષા ચાલકોએ તા. 15 અને 16 નવેમ્બરના રોજ 36 કલાકના અમદાવાદ સહિત રાજ્યમાં હડતાળનો નિર્ણય લીધો છે. એટલું કે, તા. 15મી નવેમ્બરથી 36 કલાક માટે રિક્ષામાં પૈડાં થંભી જશે. તેમજ રિક્ષા ચાલકોની માંગણી અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે 21મી નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરવાનો નિર્ણય કર્યો છે. રિક્ષા ચાલક એસો.ના આગેવાને જણાવ્યું હતું કે, રિક્ષાચાલકોનું આંદોલન શાંતિપૂર્ણ અને અહિંસક રહેશે. હડતાલ પહેલા લાખો રિક્ષાચાલકોની માગણીનો સ્વીકાર કરી ન્યાય આપશે તો આંદોલન મોકૂફ રાખવામાં આવશે. જો રિક્ષા ચાલકોની માંગણી નહીં સ્વિકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સીએનજીના ભાવમાં વધારો થતા રિક્ષા ચાલકોએ લઘુત્તમ ભાડુ રૂ. 20 કરવાનો નિર્ણય લીધો છે. જો કે, આ અંગે રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ મંજૂરી આપવામાં આવી નથી. જેથી આર્થિક મુશ્કેલીનો સામનો કરતા રિક્ષા ચાલકોએ આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે. રિક્ષા ચાલકોની હડતાળને કારણે જનજીવનને વ્યાપક અસર થવાની શકયતા છે.