
વડોદરાના પાદરામાં રામજીની શોભાયાત્રામાં તોફાનીઓએ કર્યો પથ્થરમારો, તંગદીલી ફેલાઈ
અમદાવાદઃ ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રામનગરી અયોધ્યા સહિત સમગ્ર દેશ રામમય બન્યો છે. દરમિયાન ગુજરાતમાં ઠેર-ઠેર દિવાળીની જેમ ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિવિધ સ્થળો ઉપર ભગવાન શ્રી રામજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યો હતો. દરમિયાન વડોદરાના પાદરા તાલુકામાં રામમય વાતાવરણમાં કાંકરિચાળાની ઘટના બની હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામમાં રામજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ યાત્રા ધાર્મિક માહોલમાં પસાર થઈ રહી હતી. દરમિયાન બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી. આ સમયે કેટલાક તોફાની તત્વોએ શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઈ હતી. પથ્થરમારાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાઈ ગઈ હતી. પથ્થરમારાની આ ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ભારે જહેમત બાદ સમગ્ર પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. તેમજ ફરીથી કોઈ અનિચ્છનીય ના બને તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ બનાવને પગલે લોકોમાં રોષ ફેલાયો છે, તેમજ તોફાનીઓ સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. સમગ્ર ઘટના અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.