
પેટ્રોલ, ડીઝલ, દૂધ અને રાંધણ ગૅસના તોતિંગ ભાવ વધારાથી પ્રજાને જીવવું દાહ્યલું બન્યુઃ ડો.મનીષ દોશી
અમદાવાદઃ કેન્દ્ર સરકારની અણઆવડતને કારણે મોંઘવારીઓ માઝા મુકી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ સાતમા આસમાને પહોંચ્યા બાદ દુધના ભાવમાં તોતિંગ વધારો કરાયે ત્યારબાદ રાધણ ગૅસના ભાવમાં પણ વધરો કરતા લોકોની હાલત કફોડી બની છે તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકારે રાંધણગેસના સિલિન્ડરના ભાવમાં સાત મહિનામાં રૂ. 240નો તોતીંગ ભાવ વધારો ઝીંકીને સામાન્ય, મધ્યમવર્ગના પરિવારનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં રાંધણગેસમાં વધુ રૂ.25નો માતબર વધારો ઝીંકીને મોંઘવારીમાં પીસાતા પરિવારોને વધુ એક માર આપ્યો છે. ભાજપ સરકાર જૂન મહિનામાં 15 વખત અને વર્ષ 2021ના છ માસમાં 57 વખત પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો ઝીંકી પ્રજાજનોની હાલાકીમાં સતત વધારો કરીને બેફામ નફાખોરી કરી રહી છે.
ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલમાં 25 ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી મોંઘવારી આસમાને પહોંચી છે. ગુજરાત સરકારે બે વર્ષમાં પેટ્રોલ પર રૂ. 8381.96 કરોડ અને ડીઝલ પર રૂ. 18530.26 કરોડ જેટલો તોતીંગ વેરો વસૂલીને મંદી, મોંઘવારી અને મહામારીમાં જનતાની મુશ્કેલી વધારી છે. પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે અને ભાજપ સરકાર ઉત્સવોમાં મસ્ત છે. નવેમ્બર-2020માં ગેસના સિલિન્ડરનો ભાવ રૂ. 594 હતો, જે 1લી જુલાઈ-2021 માં રૂ. 834ની સપાટીએ પહોંચ્યો છે. એટલે કે સાત મહિનામાં સિલિન્ડરના ભાવમાં રૂ. 240નો ભાવ વધારો ઝીંકાયો છે.
ભાજપના શાસનમાં જીવન દુષ્કર બની જાય તેવા નિર્ણયો લેવાઈ રહ્યાં છે. જેમાં મુખ્યત્વે રાંધણ ગેસના બાટલામાં રૂ. 25ના વધારા સાથે નવો ભાવ રૂ. 834, અમૂલ દૂધની થેલીમાં બે રૂપિયાના વધારા સાથે નવો ભાવ રૂ. 56(અમૂલ ગોલ્ડ), પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ રૂ. 95, ટુ વ્હીલર વાહનો અને કારની કિંમતમાં 10 ટકાનો ભાવ વધારો, બેન્કિંગ ચાર્જીસ વગેરેમાં પણ રૂ. 20થી 200નો ભાવ વધારો, સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2700, દાળ-ચોખા સહિત જીવનજરૂરી ચીજોનો સતત ભાવ વધારો પ્રજાને મારી નાખશે.