અમદાવાદના દક્ષિણના આઠ વોર્ડમાં રૂ. 17 કરોડના ખર્ચે રસ્તા,ગટર અને પાણીના કામો હાથ ધરાશે
અમદાવાદઃ શહેરમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર ખાડા પડ્યા છે, ઉબડખાબડ રોડને લીધે વાહનચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. હવે ચોમાસાની વિદાઈ થઈ રહી છે ત્યારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રોડ-રસ્તા મરામત કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના દક્ષિણ ઝોનમાં આઠ વોર્ડમાં રોડ, ફૂટપાથ અને પત્થર પેવિંગ સહિતના કામો શરૂ કરવામાં આવશે. દક્ષિણ ઝોન ઈજનેર વિભાગ દ્વારા આ અંગે કુલ 88 જેટલા કામો માટે 20.68 કરોડ રૂપિયાની રકમનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું છે. જે કામો ટેન્ડરથી વર્ક ઓર્ડર આપ્યા બાદ કરવામાં આવનાર છે. એમાં પાણીના પોલ્યુશનને લગતી ફરિયાદો બાદ લાઈનો બદલવાના કોમો પણ સમાવી લેવામાં આવ્યાં છે. દક્ષિણ ઝોનમાં આવતા આઠ વોર્ડમાં રોડ, ફૂટપાથ અને પત્થર પેવિંગ, ગટરની સફાઈ, પાણીની લાઈનો બદલવા માટે કુલ 17 કરોડ જેટલી રકમ ખર્ચાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં આવતા બહેરામપુરા વોર્ડ ઉપરાંત ઈન્દ્રપુરી તેમજ ખોખરા વોર્ડમાં પથ્થર પેવિંગ ઉપરાંત ફૂટપાથ રીઈન્સ્ટેટ કરવાના કામો તેમજ નવી ડ્રેનેજ લાઈન નાંખવા, ભૂવા રીપેર કરવા અંગેના કામો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈન્ટરલોક પેવિંગ બ્લોક રીપેર કરવા તથા નવા પેવર બ્લોક નાંખવાની કામગીરી પણ કરવામાં આવશે. શહેરના મધ્ય ઝોન ઉપરાંત દક્ષિણ ઝોનમાં પણ અનેક સ્થળોએ પ્રદૂષિત પાણી આવવા ઉપરાંત પાણી પુરતા પ્રેશરથી ના આવવા અંગેની પણ અનેક ફરિયાદો તંત્રને મળી છે. આ બાબતને ધ્યાનમાં લઈ જેતે વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવશે.
ઈસનપુર વોર્ડમા ગામતળ તથા ઘોડાસર વિસ્તારમાં ફૂટપાથ બનાવવાની સાથે રોડ પર પડેલા ખાડા પેચવર્ક કરી પુરાણ કરવાની કામગીરી હાથ ધરાશે. પાણીને લગતી કામગીરી પણ કરવામાં આવશે. જેમાં મિલ્લતનગર ઉપરાંત બહેરામપુરામાં આવેલી વિવિધ ચાલીઓમાં પાણી અપૂરતા પ્રેશરથી આવવા ઉપરાંત પોલ્યુશનને લગતી ફરિયાદોના નિકાલ માટેની કામગીરી પણ હાથ ધરાશે. દાણીલિંમડા વોર્ડમાં સાંસદ અને ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી પાણીની લાઈનને લગતી કામગીરી કરવામાં આવશે. જે વિસ્તારોમાં પાણીની લાઈનમાં લીકેજની સમસ્યાઓ છે તે તમામ વિસ્તારોમાં લીકેજ લાઈનનું સમારકામ કરવામાં આવશે.
વટવા ઉપરાંત લાંભા વોર્ડમાં પાણીનું પ્રેશર સુધારવા માટે નવી લાઈનો નાંખવાની કામગીરી હાથ ધરાશે. અહીં ડ્રેનેજને લગતી ફરિયાદોના નિકાલ માટે દક્ષિણ ઝોનના વિવિધ વિસ્તારોમાં નવી ડ્રેનેજ લાઈન નાંખવાથી લઈ મશીન હોલ તથા ચેમ્બર બનાવવા તેમજ જ્યાં જરૂર જણાશે ત્યાં ડિસિલ્ટિંગની કામગીરી પણ હાથ ધરાશે. આ ઉપરાંત સમગ્ર ઝોનમાં આવેલા પુસ્તકાલયો, આંગણવાડી સહિતના બિલ્ડિંગોમાં સમારકામ સહિતની કામગીરી કરવામાં આવશે. 22 ઓક્ટોબરના રોજ આ તમામ કામો માટેનું ટેન્ડર બીડ ખોલવામાં આવશે.