ગુજરાતમાં કોરોનાને લીધે મૃત્યુ પામેલા 40 અધ્યાપકોના પરિવારને હજુ પેન્શન મળ્યુ નથી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કાળ કપરો રહ્યો, કોરોનાની બીજી લહેરના અંત સુધીમાં અનેક લોકોના કોવિડ સંક્રમણને લીધે મોત નિપજ્યા હતા. કોલેજ અને યુનિવર્સિટીઓના અનેક અધ્યાપકોના પણ કોરોનાને લીધે મોત થયાં હતા.જેમાં 40 જેટલા અધ્યાપકોના પરિવારોને હજુ પેન્શન મળતું નથી. જેથી અધ્યાપક મંડળે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરને પત્ર લખીને ઝડપથી પેન્શન આપવામાં આવે તેવી માંગણી કરી છે.
ગુજરાત રાજ્ય અધ્યાપક મહા મંડળે ઉચ્ચ શિક્ષણ કમિશનરને પત્ર લખીને એવી રજુઆત કરી હતી કે, ગુજરાતની જુદી જુદી કોલેજો અને યુનિવર્સિટીમાં કાર્યરત અધ્યાપકો કુદરતી અને કોરોનાની ભયંકર મહામારીનો ભોગ બન્યા છે. કોરોનાને કારણે ગુજરાતના 40 કરતા વધારે અધ્યાપકોના અવસાન થયા છે. આ અવસાન પામેલા અધ્યાપકોને નિયમ અનુસાર મળવાપાત્ર ફેમિલી પેન્શન હજુ સુધી મળ્યું નથી અને ફેમિલી પેન્શન અંગેની કાર્યવાહી પણ કચેરી દ્વારા ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે જેના કારણે તેમના પરિવારોની આર્થિક સ્થિતિ દયનીય બની છે. અવસાન પામેલા અધ્યાપકોના કિસ્સાઓમાં પરિવારને આર્થિક મુશ્કેલી ના પડે તે માટે માનવતાના ધોરણે ખાસ કિસ્સામાં કાર્યવાહી કરી તાત્કાલિક તેમના પરિવારજનોને ફેમિલી પેન્શન અને અન્ય મળવાપાત્ર રકમની કાર્યવાહી સત્વરે કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.