
અમદાવાદમાં છેડતી કરનાર રોડસાઈટ રોમિયોને વિદ્યાર્થિનીએ સરાજેહાર મેથીપાક ચખાડ્યો
અમદાવાદઃ શહેરના કાગડાપીઠ પોલીસ વિસ્તારમાં સરાજાહેર વિદ્યાર્થિનીની છેડતીની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જો કે, પીડિત વિદ્યાર્થિનીએ હિંમત દાખવીને રોડસાઈડ રોમિયોને મેથીપાક ચખાડીને પાઠ ભણાવ્યો હતો. દરમિયાન સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એટલું જ નહીં વીડિયો જોઈને લોકો રોમિયોને સરાજાહેર પાઠ ભણાવતી વિદ્યાર્થિનીની હિંમતની પ્રસંશા કરી રહી રહ્યાં છે, એટલું જ નહીં આવી ઘટનાઓ ફરી ના બને તે માટે રોમિયો સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયામાં હાલ વિદ્યાર્થિની જાહેર રસ્તા ઉપર ટોળાની વચ્ચે એક યુવાનને માર મારતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં આ યુવાન શાળામાં જતી વિદ્યાર્થિનીઓને હેરાન-પરેશાન કરતો હોવાનું જાણવા મળે છે. જો કે, યુવાનની આ હરકતથી કંટાળેલી વિદ્યાર્થિનીએ હિંમત દાખવીને જાહેરમાં જ રોમીયોને માર માર્યો હતો. એટલું જ નહીં આ બનાવ વખતે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. જો કે, વિદ્યાર્થિનીની છેડતી મામલે લોકો મૂકપ્રેક્ષક બનીને જ ઘટનાને નીહાળી રહ્યાં હતા. સમગ્ર ઘટનાને અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કવાયત શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જો કે, હાલ શહેરમાં સોશિયલ મીડિયા ઉપર વિદ્યાર્થિનીની હિંમતનો વીડિયો વાયરલ થયો છે, એટલું જ નહીં લોકો વિદ્યાર્થિનીની હિંમતની પ્રશંસા કરી રહ્યાં છે. બીજી તરફ સબસલામતના દાવા કરતી પોલીસની કામગીરી સામે સવાલો કરી રહ્યાં છે.