Site icon Revoi.in

યુવાનો સાથે લગ્ન કરી દાગીના ચોરી પલાયન થતી લૂંટેરી દૂલ્હન 4 વર્ષે પકડાઈ

Social Share

અમદાવાદ,21 જાન્યુઆરી 2026:  રાજ્યમાં લગ્નો ન થતા હોય એવા યુવાનોના પરિવારનો સંપર્ક કરીને તાબડતોબ લગ્ન કરીને લૂંટેરી દૂલ્હન સોનાના દાગીના, રોકડ લઈને મોકો મળતા જ પલાયન થવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા 4 વર્ષથી ફરાર મૂળ રાજસ્થાનના ઉદયપુરની વતની માનવી નામની યુવતીની શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આઈપી મિશન ચર્ચ પાસેથી ધરપકડ કરી છે.

શહેર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના કહેવા મુજબ માનવી નામની યુવતી લગ્ન માટે ઉંમરલાયક પરંતુ લગ્ન ન થતા હોય એવા યુવકોને ટાર્ગેટ બનાવીને છેતરપિંડી કરતી હતી. લગ્નના માત્ર ચાર જ દિવસમાં માનવી દાગીના અને રોકડ રકમ લઈને રફુચક્કર થઈ જતી હતી. અગાઉ માનવીના પિતા સૂરજમલ મીણા, માતા રાજારાણી અને અન્ય એક સાથીદાર યોગેશ પરમારની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ યુવતીની પણ ધરપકડ કરવામાં આવી છે. માનવી લગ્નની વાત નક્કી કરી યુવક અને તેના પરિવારનો વિશ્વાસ જીતતી હતી. ત્યારબાદ લગ્ન દરમિયાન રોકડ રકમ અને દાગીના લઈ થોડા જ દિવસોમાં ફરાર થઈ જતી. આવા જ એક કેસમાં વર્ષ 2022માં માધુપુરા પોલીસ સ્ટેશનમાં ચિરાગભાઈ નામના વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આરોપી માનવીએ ચિરાગભાઈ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન માટે આરોપીઓએ 1.50 લાખ રોકડા અને અંદાજે 30,000ના દાગીના લીધા હતા. જોકે લગ્નના માત્ર ચાર દિવસમાં જ માનવી દાગીના અને રોકડ રકમ લઈને અચાનક ગાયબ થઈ ગઈ હતી.

માધુપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે, આ છેતરપિંડી પાછળ માત્ર માનવી નહીં પરંતુ આખું એક ટોળકી સક્રિય હતી. પોલીસે અગાઉ આ કેસમાં માનવીના પિતા સૂરજમલ મીણા, માતા રાજારાણી તથા એક સાથીદાર યોગેશ પરમારની ધરપકડ કરી હતી. જોકે મુખ્ય આરોપી માનવી મીણા લાંબા સમયથી ફરાર હોવાથી પોલીસ માટે તેને પકડવું પડકારરૂપ બન્યું હતું. જેથી પોલીસે દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. લાંબા સમય સુધી અલગ-અલગ શહેરોમાં રહીને પોલીસથી બચતી રહેલી માનવી અંગે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે ટીમ બનાવી લાલ દરવાજા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જે દરમિયાન આઈપી મિશન ચર્ચ પાસેથી માનવીને ઝડપી લેવામાં આવી છે. ધરપકડ બાદ તેને આગળની કાર્યવાહી માટે માધુપુરા પોલીસને સોંપવામાં આવી છે.

આ ટોળકીએ માત્ર આ એક કેસમાં નહીં પરંતુ અન્ય અનેક નિર્દોષ લોકોને પણ લગ્નના નામે છેતરપિંડીનો શિકાર બનાવ્યા હોવાની શંકા છે. જેથી આરોપીની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેના અગાઉના સંપર્કો, ફોન ડેટા તેમજ આર્થિક લેવડદેવડની તપાસ હાથ ધરવામાં આવી છે.

Exit mobile version