Site icon Revoi.in

બગોદરા-વટામણ હાઈવે પર રાત્રે લૂંટારૂ શખસોએ કાર આંતરીને પરિવારને મારમારી લૂંટ કરી

Social Share

અમદાવાદઃ બગોદરા-વટામણ નેશનલ હાઈવે પર બગોદરા નજીક રાતના સમયે વજોદરા તરફથી આવતી એક કારને ઊભી રખાવીને લૂંટારૂ શખસોએ કારમાં પ્રવાસ કરી રહેલા પરિવારને ધમકી આપીને મારમારીને રૂપિયા 8 હજાર રોકડા તથા મોબાઈલ ફોન અને કારની લૂંટ કરીને નાસી ગયા હતા. ઈજાગ્રસ્ત પરિવાર અન્ય વાહનમાં બગોદરા પહોચ્યો હતો. જ્યાં સારવાર કરાવ્યા બાદ બગોદરા પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે,  વડોદરાથી સુરેન્દ્રનગર પોતાના વતન જઈ રહેલા જય પરમાર અને તેમના પત્ની જ્યારે બગોદરાથી માત્ર 2 કિલોમીટર દૂર હતા, ત્યારે આ લૂંટનો બનાવ બન્યો હતો. હાઈવે પર અચાનક ત્રાટકેલા બે અજાણ્યા શખસોએ દંપતીને આંતર્યું હતું અને હુમલો કર્યો હતો. લૂંટારૂઓએ કારચાલક જય પરમારને માર મારીને તેમની કાર, બે મોબાઈલ ફોન 8 હજાર રૂપિયા રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા.  ઇજાગ્રસ્ત જય પરમારને તાત્કાલિક બગોદરા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ તેમણે બગોદરા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

હાઈવે પર લૂંટની આ ગંભીર ઘટનાની જાણ થતા જ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. ડીવાયએસપી  આસ્થા રાણા, અમદાવાદ ગ્રામ્ય LCB અને બગોદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે લૂંટારૂઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. હાઈવે પરના સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે નાકાબંધી પણ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે લૂંટારૂઓ ચોરીની કાર લઈને જ કોઈ ચોક્કસ દિશામાં ભાગ્યા હોઈ શકે છે.

Exit mobile version