Site icon Revoi.in

મુંબઈની જેલમાં લૂંટનો પ્લાન ઘડાયો અને રાજકોટ જ્વેલર્સમાં ચોરી કરી, 6ની ધરપકડ

Social Share

રાજકોટ, 2 એપ્રિલ 20266 accused arrested in Rajkot jewellers robbery case શહેરના સોની બજારમાં અમિત જ્વેલર્સમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે 6 શખસોને દબોચી લીધા છે. આરોપીઓની પૂછતાછમાં જાણવા મળ્યું છે કે, જ્વેલર્સમાં ચોરીનો પ્લાન મુંબઈની આર્થર જેલમાં આરાપી કેદીઓ દ્વારા ઘડવામાં આવ્યો હતો. અને જેલમાંથી છૂટ્યા બાદ જ્વેલર્સ શોપની રેકી કરીને મુંબઈનો માહિર ચોર અને અન્ય પાંચ તસ્કરોની ટોળકી રાજકોટમાં ત્રાટકી હતી. જે મામલે પોલીસે ગણતરીની કલાકોમાં જ છ શખ્સોની ટોળકીને ઝડપી લઇ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેરના લીમડા ચોક નજીક ડિજીબી પેલેસ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા સોની વેપારી મનિશભાઈ રમણભાઈ રાણપરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું સોની બજાર નવા નાકા રોડ પર મારુતી પ્લાઝા કોમ્પ્લેક્ષની સામે ગધીવાડ શેરીમાં અમિત જવેલર્સ નામની દુકાન ધરાવી વેપાર કરૂ છું. ગત તા.30.03.2026ના રોજ રાત્રીના 9 વાગ્યાની આસપાસ હું તથા મારો દિકરો જય અમારી દુકાન બંધ કરીને ઘરે જતા રહ્યા હતા. બાદમાં આજે સવારે 6 વાગ્યા આસપાસ અમારી દુકાનની નજીક નિહારનો સામાન વેચતા રમેશભાઈ દ્વારા અમને જાણવા મળ્યું કે, અમારી દુકાનના તાળા તુટેલા છે જેથી હું તથા મારો દિકરો જય તાત્કાલિક અમારી દુકાન અમિત જવેલર્સ ખાતે પહોંચ્યા હતા. અમારી દુકાનના બહારના લાકડાના દરવાજા પર મારેલ ચાર લોક તથા એક મોટું લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું અને દુકાનનો દરવાજો ખુલ્લો હતો. દુકાનનો અંદરનો કાચનો સ્લાઈડર દરવાજો પણ ખુલ્લો હતો. બાદ દુકાનની અંદર જઈ જોતા દુકાનના બે સીસીટીવી કેમેરા પણ તુટેલી હાલતમાં હતા. બાદ દુકાનની અંદર રહેલા આશરે રૂ.50 હજારની કિંમતના બે રોકડ રકમ ગણવાના મશીનો મળી આવ્યા ન હતા જેથી ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ચોરીના બનાવનો તાત્કાલિક ભેદ ઉકેલી તસ્કરોને ઝડપી લેવાની પોલીસ કમિશનરની સૂચનાને પગલે એ ડિવિઝન પોલીસ અને એલસીબી ઝોન-2ની અલગ-અલગ ટીમો કામે લાગી હતી. આ દરમિયાન પોલીસે સંયુક્ત બાતમીના આધારે પેલેસ રોડ નજીક પદ્મકુંવરબા હોસ્પિટલ સામેથી શંકાસ્પદ સફેદ કલરની i20 કાર સાથે 6 શખ્સોને અટકાયતમાં લઇ ચોરીમાં ગયેલો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરતા તેમણે સોની બજારની અમિત જવેલર્સમાં વહેલી સવારે ચોરી કર્યાની કેફીયત આપતાં શુભમ સુભાષભાઈ સોની, ભાવિક કિરણભાઈ સીતાપરા, જયદીપ નરેશભાઈ કાકડિયા, મિલન દિલીપભાઈ ગોંડલીયા, ધવલ દિલીપભાઈ સુરેલા અને રાકેશ કાળુભાઇ બોરસાણીયાની ધરપકડ કરી રૂ.50 હજારની કિંમતના રોકડ ગણવાના બે મશીન, જીજે.03.એમઆર.0410 કાર મળી કુલ રૂ.5.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા શખ્સોએ પોલિસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત આપી હતી કે, મુંબઈનો તસ્કર શુભમ ચોરીના ગુનામાં આર્થર રોડ જેલમાં બંધ હતો. ત્યારે જ મિલન ગોંડલીયાનો ભાઈ સાવન પણ ફ્રોડના ગુનામાં અહીં જેલમાં હતો. જેલમાં શુભમ અને સાવનની મુલાકાત થઇ હતી. બાદમાં સાવને મિલનની મુલાકાત શુભમ સાથે કરાવી હતી અને ચોરીનું કાવતરું ઘડાયું હતું. શુભમ ચોરી કરવામાં માહિર હોય મિલને તેને અહીં ચોરી કરવા બોલાવ્યો હતો.

પોલિસ સૂત્રોના કહેવા મુજબ સોની બજારની અમિત જવેલર્સમાં ત્રાટકી તસ્કરો પોતપોતાના ઘરે જઈ આરામથી સુઈ ગયા હતા. આ દરમિયાન ચોરીના સમયગાળા દરમિયાન સોની બજારમાં એક સફેદ કલરની આઈ-20 કારની ગતિવિધિ અંગે પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે આગળના કાચ પર ‘શ્રી’ લખ્યું હોય એવી કારની શોધખોળ શરૂ કરી હતી. આ કાર પદ્મકુંવરબા હોસ્પિટલ નજીક હોવાની બાતમી મળતા પોલીસે દોડી જઈ તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓ તિજોરી તોડવામાં તસ્કરો અસફળ રહ્યા હતા જેના કારણે તિજોરીમાં સોની વેપારીએ રાખેલા આશરે રૂ.10 લાખના ઘરેણાં બચી ગયા હતા.

Exit mobile version