
અમદાવાદમાં IIM બ્રિજ પાસે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 25 લાખની લૂંટ
- બંટી-બબલીએ આંગડિયા કર્મચારી પાસે ઝઘડો કરીને લુંટ ચલાવી
- લુંટની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો
- આંગડિયા કર્મચારી સીજી રોડથી નાણા લઈને સિંઘુભવન તરફ જતો હતો
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન શહેરના આઈઆઈએમ રોડ ઉપર આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂ. 25 લાખની લૂંટના સામે આવી છે. બંટી-બબલી એટલે કે એક કપલે અકસ્માતના બહાને આંગડિયા પેઢીના કર્મચારી સાથે તકરાર કર્યા બાદ તેની પાસેથી રૂ. 25 લાખની ચૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સીજી રોડ ઉપરથી આંગડિયા પેઢીનો કર્મચારી રૂ. 25 લાખની રોકડ રકમ લઈને સિંધુભવન તરફ જઈ રહ્યો હતો. આંગડિયા પેઢીનો કર્મચારી વાહન લઈને આઈઆઈએમ રોડ ઉપર આઈઆઈએમ બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન એક યુવક અને યુવતીએ વાહન અથડાવ્યા બાદ તેની સાથે તકરાર કરી હતી. આ ઝઘડા વચ્ચે યુવક અને યુવતી આંગડિપા પેઢીના કર્મચારી પાસેથી રોકડ રકમ ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા.
સમગ્ર ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો. તેમજ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને લૂંટારુઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી હતી. ઘટના સ્થળની આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.