ગાંધીનગરઃ ગુજરાતના ભારે ટ્રાફિક ધરાવતા માર્ગોને વધુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય બનાવવા માટે 809 કિ.મી. લંબાઈના ૯ ગરવી હાઇસ્પીડ કોરીડોરનું 5576 કરોડ રૂપિયામાં નિર્માણ કરવામાં આવશે. રાજ્યના રોડ નેટવર્કને ક્લાઈમેટ રેઝિલિયન્ટ અને નવી ટેક્નોલોજી યુક્ત બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 1147 પણ ફાળવ્યા છે.
સરકાર દ્વારા છોટા ઉદેપુરના 64.05 કિ.મી. રોડ માટે રૂ. 1062.82 કરોડ, બગોદરા – ધંધુકા – બરવાળા – બોટાદ 92.23 કિ.મી. માટે રૂ. 67.43 કરોડ, બોટાદ – ઢસા – ચાવંડ – અમરેલી – બગસરા – બિલખા – મેંદરડા 67.30 કિ.મી. માટે રૂ. 158.6 કરોડ, મેંદરડા – કેશોદ – માંગરોળ 48.55 કિ.મી. માટે રૂ. 81.38 કરોડ, ઊંઝા – પાટણ – શિહોરી – દિયોદર – ભાભર 105.05 કિ.મી. માટે રૂ. 858.39 કરોડ, કરજણ – ડભોઇ – બોડેલી 71.10 કિ.મી. માટે રૂ. 331.16 કરોડ, દહેગામ – બાયડ – લુણાવાડા – સંતરામપુર – ઝાલોદ 167.54 કિ.મી. માટે રૂ. 1514.41 કરોડ, અમદાવાદ – હરસોલ – ગાંભોઈ – વિજયનગર 143.30 કિમી માટે રૂ. 640.30 કરોડ, સંતરામપુર – મોરવા હડફ – સંતરોડ 49.90 કિ.મી. માટે રૂ. 861.71 કરોડ ફાળવવામાં આવ્યાં છે.
આ નવા હાઇસ્પીડ કોરીડોરથી વાહનવ્યવહાર ઝડપી બનશે, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા સુધરશે અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આસપાસના વિસ્તારોમાં આર્થિક વિકાસ અને વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. નવા હાઇસ્પીડ કોરીડોરના નિર્માણમાં વેસ્ટ પ્લાસ્ટિક, વ્હાઇટ ટોપિંગ, જીઓ ગ્રીડ, ગ્લાસ ગ્રીડ, સિમેન્ટ સ્ટેબિલાઈઝેશન, ફ્લાય-એશ અને ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ થશે, જે વધુ ટકાઉ, પર્યાવરણમૈત્રી માર્ગો બનાવશે અને લાઇફ-સાયકલ ખર્ચમાં બચત લાવશે.
આ વર્ષે બજેટમાં હાઈસ્પીડ કોરીડોર અને માર્ગ સપાટી સુધારણા માટે કુલ રૂ. 7737 કરોડ ફાળવવામાં આવ્યા છે. રાજ્યના 12 નવા હાઇસ્પીડ કોરીડોરને વિકસાવવા માટે કુલ 1367 કિ.મી. માર્ગ સામેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગોને વધુ સુવિધાયુક્ત અને મજબૂત બનાવી વિકસિત ગુજરાત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે.